મહુવા પંથક સહિત બગદાણાની નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા

ભાવનગર, તા.૧૬
ભાવનગર જિલ્લાના બગદાણા ગામના ઉપરવાસ વિસ્તારમાં આવેલ ગેબર, વાવડી સહિતની જગ્યાઓમાં ૯ ઈંચ કરતા વધુ વરસાદના કારણે જંગલમાંથી પસાર થતી બગડ તથા હડમતાળુ નદીમાં ભારે પુર આવ્યું હતું. જેના કારણે બગદાણા ગામે આવેલ બગડેશ્વર મહાદેવના મંદિર સુધી પાણી પહોંચ્યા હતા અને મહાદેવ સમક્ષ આવેલ નંદી પાણીમાં ડૂબી પામ્યો હતો. આ ભારે વરસાદના કારણે લોકોના વાહનો તણાયા હતાં તેમજ અનેક પૂલો ધોવાઈને પૂરના પ્રવાહ સાથે વહી જવા પામ્યા તા.
નાના-મોટા અનેક પશુઓ પણ પૂરના પ્રવાહ સાથે તણાઈ જવા પામ્યા છે. મોડીરાત સુધી પૂરનું પાણી ઓસર્યુ ન હોય બગદાણા ગામેથી આશ્રમ તરફ જવાના રોડ પર પાણી ભરાયેલ હોય જેના કારણે યાત્રાળુઓ અટવાઈ પડ્યા હતા, વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો તેમજ ગામડાઓમાં વાવણી કરાયેલ ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડે તેવી વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે.
તળાજા તાલુકા અને મહુવા તાલુકાના અનેક ગામોને સિંચાઈ અર્થે પાણી પુરૂ પાડતા બગડ ડેમમાં એક જ વરસાદે પૂર્ણ સપાટીએ છલોછલ ભરાઈ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. તે સાથોસાથ તાજેતરમાં લોક સમુદાય દ્વારા નિર્મિત મેથળા બંધારો પણ પૂર્ણ સપાટીએ ભરાઈ જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. તળાજા ગામ વચ્ચેથી પસાર થતી તળાજી નદીમાં પૂરના ભારે પ્રવાહના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી. તળાજા તાલુકાના બોરડા, કુંડવી, રેલીયા, મેથળા, ઉંચા કોટડા, નીચા કોટડા, દયાળ, ભુંગર, પસવી, દાઠા સહિત અનેક ગામોના નાના-મોટા તમામ ચેકડેમો છલોછલ ભરાઈ જવા પામ્યા છે. છેલ્લા બે વર્ષથી અપૂરતા વરસાદના કારણે અછત જેવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા સરતાનપર બંદર, તરસરા, દેવલી, ઈસોરા, પાદરી (ભમ્મર) સહિતના ગામોમાં ઉનાળા દરમ્યાન ખેત તલાવડા અને નવા ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે ચેકડેમોમાં એક જ સારા વરસાદથી પૂર્ણતઃ ભરાઈ જવા પામ્યા છે અને પાણી પ્રશ્ન ભૂતકાળ થઈ જવા પામ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks