અમદાવાદ, તા. ર૭
ભૂજના માજીદ આદમ ઠેબા ગત તા. ૧૯ જુલાઈના રોજથી ગુમ થયા બાદ આજદિન સુધી તેનો પત્તો નથી ભૂજ પોલીસ માજીદને તેના ઘરેથી લઈને ગઈ ત્યારથી ગાયબ છે. આથી માજીદ આદમ ઠેબાની પત્ની આશિયાનાબાનુને ન્યાય અપાવવા અમદાવાદમાં માજીદ ખોજ યાત્રા લડત સમિતિની રચના કરાયા બાદ શાહપુર ખાતે ર૬ ઓગસ્ટના રોજ ભૂજ માજીદ ખોજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અબ્દુલ અહદ પઠાણે જોશીલા અંદાજમાં ભાષણ કરી સરકારને પડકાર ફેક્યો હતો. માજીદ ખોજ યાત્રાને પોલીસે પરવાનગી ન આપતા રખિયાલમાં સભાને પણ મંજૂરી ન આપતા શાહપુરમાં ખાનગી સ્થળે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાના કન્વિનર શમશાદ પઠાણ છે. તેમણે સભામાં જણાવ્યું હતું કે, આ માનવ અધિકારની લડાઈ છે. બંધારણ અને માનવ અધિકાર આપણને સવાલ પૂછવા હક આપે છે. કઈ આઈપીસી-પોલીસ મેન્યુઅલમાં લખ્યું છે કે, તમે કોઈને ગાયબ કરીદો અને સવાલ પણ પૂછી શકતા નથી ? આ યાત્રાને માત્ર મુસ્લિમો જ નહીં દલિતો, પાટીદારો, ઓબીસી સહિત તમામ સમુદાયનું સમર્થન છે અને યાત્રા કાઢીશું અને તેની તારીખ ૩૧ ઓગસ્ટના ભૂજમાં મળનારા સંમેલનમાં જાહેર કરાશે. આ લડતને દિલ્હી સુધી લઈ જવાની પણ તેમણે જાહેરાત કરી હતી. જ્યારે અબ્દુલ અહદ પઠાણે જણાવ્યું હતું કે, શું અમારા દેશને ગાંધીજી, સરદાર પટેલ, નહેરૂએ એટલે આઝાદી અપાવી હતી કે, મોબલિંચિંગ, લવજેહાદના નામે નિર્દોષોની હત્યા કરવામાં આવે ? માજીદ ક્યાં છે અને પૂછવાનો અમારો અધિકાર છે. ગુજરાતના મુખ્યમંત્રીને હું કહેવા માગું છું કે, અમે સંવિધાનમાં માનવાવાળા છીએ અને તમે સાવરકરને માનવાવાળા છો. આ દેશ ખાખી ચડ્ડીવાળા સાવરકરની વિચાર ધારાથી નહીં પરંતુ બાબાસાહેબ આંબેડકરના બનાવેલા ભારત દેશના સંવિધાનના આધારે ચાલશે દરેક એકશનનું રિએક્શન અમે બંધારણના દાયરામાં રહીને આપીશું અને એ અમારો અધિકાર પણ છે. વીએચપી, આર.એસ.એસ. અને બજરંગદળ પર પ્રહાર કરતા અબ્દુલ અહદએ જણાવ્યું હતું કે, તમે મર્યાદામાં રહો. ગાયના નામે નિર્દોષ લોકોને મારશો તો અમે પણ સંવિધાનના દાયરામાં રહી રિએક્શન આપીશું. ભૂજ પોલીસને પડકાર ફેકતા જણાવ્યું હતું કે, અમે તમારી છાતી પર ચઢીને પોકારીશું કે, માજીદ ક્યાં છે ? નદીમખાન જે યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટના કન્વિનર છે અને દિલ્હીથી પધારેલા છે એમણે કહ્યું કે, “આ લડાઈ ફક્ત નજીબ કે, માજીદની નથી. આ લડાઈ બધા અલ્પસંખ્યક, દલિત, વંચિત તબક્કાના હકોની લડાઈ છે. આ તમામ ન્યાયપ્રિય લોકોની લડાઈ છે. જો અમને પોલીસ આગળ પરમિશન નહી આપે તો અમે દિલ્હી ગૃહ મંત્રાલયના સામે ધરણા પર બેઠી જશું. વધુમાં જણાવ્યું કે માજીદનો મુદ્દો સ્પષ્ટ નહી થાય તો અમે સમગ્ર ગુજરાતમાં આ બાબત લઈને જશું. પોલીસ, ગૃહ મંત્રાલયને ઘેરીશું.” વાશિફ હુસેન જે આ યાત્રાના સહ કન્વિનર છે એમણે કહ્યું કે, “આ યાત્રા કાઢવાનો ઉદ્દેશ્ય સમાજમાં લોકોમાંથી ભયનો માહોલ દૂર કરવો છે. સમાજના લોકોને જાગૃત કરવા છે. હવે અમે જ્યાં પણ નથી પહોંચી શક્યા ત્યાં પહોંચીશું અને લોકોને જાગૃત કરશું અને યાત્રા તો ડંકાની ચોટ પર નીકાળશું.” એડવોકેટ કોષ્ટીએ કહ્યું કે, સરકારના પોલીસ એક્શન દ્વારા દબાવવાના પ્રયત્ન છે. આપણે ગભરાવવાની જરૂર નથી. સુફિયાન રાજપૂત જે આ યાત્રાના સહ કન્વિનર છે એમણે કહ્યું કે, “અમૂક લોકોએ અમારો મોરલ તોડવાનું કામ કર્યું છે. જે માજીદના નામ પર તમે ગયા હતા. કાલે કોઈ બીજા મુસલમાન તથા દલિતને ઉપાડવામાં આવશે, એની સામે અવાજ ઉપાડવી પડશે.