શરિયતમાં હસ્તક્ષેપ બદલ સંસદ-ઘેરાવની મજલિસ બચાવો તહરીકની ચીમકી

હૈદરાબાદ, તા.૨૯

મજલિસ બચાવો તહરીક (એમબીટી) દ્વારા યોજાયેલી એક ચિંતન-સભામાં મુસ્લિમોના શરિયતમાં હસ્તક્ષેપ અંગે દેશમાં ચાલી રહેલા ઉગ્ર ઊહાપોહ બાબતે વક્તાઓએ કેન્દ્ર સરકારની કડક આલોચના કરી હતી. સરકાર સમાન નાગરિક ધારાની તરફેણ કરે છે, અને ઇસ્લામના શરિયત તથા મુસ્લિમ પર્સનલ લૉમાં મહિલાઓને અન્યાયનો આક્ષેપ કરે છે, પરંતુ વાસ્તવમાં ઇસ્લામ એકમાત્ર એવી વ્યવસ્થા છે જેમાં મહિલાઓને સમાન હકો અને સન્માન પ્રાપ્ત થયેલું છે, એમ આ સભામાં વક્તાઓએ એકસૂરે કહ્યું હતું.

સમારંભમાં ઉપસ્થિત ડૉ. હાફીઝ ઉર રહેમાન (દિલ્હી), જનાબ મજીદુલ્લાહ ખાન (એમબીટીના પ્રમુખ), જનાબ અમજદુલ્લાહ ખાન ખાલેદ (એમબીટીના પ્રવક્તા) સહિતના વક્તાઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર શરિયતમાં હસ્તક્ષેપ કરશે તો ૨૦ કરોડ મુસ્લિમો સંસદનો ઘેરાવ કરવામાં પાછીપાની નહીં કરે.  જનાબ મજીદુલ્લાહ ખાન ફરહાતે કહ્યું કે, હજરત મુહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)એ માણસને માનવ બનાવ્યો છે. આ કાનૂનોમાં ફેરફારને કોઈ સહન કરી ન શકે. તેમણે શ્રોતાઓને સ્મરણ કરાવ્યું હતું કે, ભારતના બંધારણની કલમ ૪૪ અંગેની ચર્ચાને ડૉ. આંબેડકરે પોતે જ એમ કહીને બંધ કરી હતી કે, જે દેશમાં આટલી બધી વિવિધતા હોય ત્યાં યુનિફોર્મ સિવિલ કોડનું અમલીકરણ શક્ય નથી. જનાબ ફરહાતે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલાઓની ચિંતા કરતાં પહેલાં ન્યાયનો આરંભ પોતાના ઘરથી કરવો જોઈએ અને પોતાની પત્નીને ન્યાય આપવો જોઈએ.  આ પ્રસંગે વિવિધ વક્તાઓએ જણાવ્યું હતું કે, સરકાર આંબેડકર રચિત બંધારણને હટાવીને સાવરકરની વિચારધારા આધારિત બંધારણ લાવવા માગે છે, પરંતુ તે ચાલશે નહિ. મુસ્લિમો જરૂર પડતાં સંસદનો ઘેરાવ પણ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks