કિશોરીને ભગાડી જનાર યુવાનના મકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

બોડેલી, તા. ર૩
બોડેલી તાલુકાના ઉંચાપાન ગામે એક યુવાન કિશોરીને ભગાડી જતા કિશોરીના સગાઓએ યુવાનના ઘરે હુમલો કરી લૂંટ ચલાવી હતી. બંને પક્ષે બોડેલી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બોડેલી તાલુકાના ઉંચાપાન ગામે દંપતિ ખેતરે ડાંગર રોપવા ગયા હતા. ત્યારે તેઓની બંને પુત્રીઓ ઘરે હતી. દંપતિ સાંજે ઘેર આવતા મોટી પુત્રી ઘરે હાજર ન હોવાથી નાની પુત્રીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, બેન મામાને ઘરે ગઈ છે જેથી કિશોરીના માતા-પિતાએ રાત્રે શોધખોળ ન કરી હતી. સવારે કિશોરીના માતા-પિતાએ મામાને ફોન કરી પૂછતા કિશોરીના મામાએ જણાવેલ કે, કિશોરી તેઓના ઘરે આવી જ નથી. કિશોરીના માતા-પિતાએ શોધખોળ કરતા સગા-સંબંધીઓને ત્યાં પૂછપરછ કરી હતી અને જાણવા મળ્યું કે, કિશોરી ફળિયાના રમેશ ભીખાભાઈ રાઠવાના પુત્ર ધર્મેશની મોટરસાઈકલ પર જતા જોવાઈ છે જેને લઈને કિશોરીના માતા-પિતા ધર્મેશને ઘરે તપાસ કરતા બે દિવસથી ધર્મેશ પણ ઘરેથી ગાયબ છે.
કિશોરીના ૧૬ જેટલા સગા-સંબંધીનું ટોળું હાથમાં પારીયા, ધારીયા લઈ ધર્મેશના ઘરે હુમલો કર્યો હતો. જેથી ધર્મેશના પરિવારજનો પોતાનો જીવ બચાવી પાસેના મકાનમાં સંતાઈ ગયા હતા. ટોળાએ ધર્મેશના ઘરના સામાનની તોડફોડ કરી તિજોરી, રસોડું અને સિમેન્ટના પતરાની છતમાં કાણા પાડી દીધા હતા અને ઘરમાં મૂકેલ રોકડા અને સોના-ચાંદીના દાગીના લૂંટી ગયા હતા અને જતા-જતા કહેતા ગયા હતા કે, અમારી છોકરી વહેલી તકે તમારે લાવી આપવાની છે નહીં તો ગામમાંથી કાઢી મૂકીશું અને બધું સળગાવી દઈશુંની ધમકી આપી હતી. આ અંગે કિશોરીના માતા-પિતાએ કિશોરી ગૂમ થયાની અને યુવાનના માતા-પિતાએ લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks