મક્કામાં સાતથી આઠ હાજીઓ વચ્ચે હોટલમાં એક રૂમ ફાળવાતો હોવાની બૂમ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા વિમાનભાડા અને અન્યખર્ચાના નામે હજયાત્રીઓ સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનો અમદાવાદના એક જાગૃત નાગરિકે ભાંડો ફોડ્યા બાદ બીજી અનેક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. મકાન ભાડા પેટે અઝીઝિયા કેટેગરી માટે રૂા.૪૦,૮૬૭ વસૂલાતા હોવા છતાં એક રૂમમાં સાતથી આઠ લોકોને ઘેટાં બકરાની જેમ ભરાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
હજ કમિટી એ સોનાની મુરઘી સાબિત થઈ રહી છે. હજ જેવી પવિત્ર યાત્રામાંથી પણ કઈ રીતે મલાઈ તારવવી એ હજ કમિટીના સત્તાધીશો સુપેરે જાણે છે. હજયાત્રીઓ પાસેથી વિમાનભાડા-રૂમભાડા, મોઅલ્લીમ ખર્ચ તથા અન્ય ખર્ચા જેવા ખર્ચાઓમાં જરૂર કરતાં વધારે રકમ વસૂલ કરાતી હોવા છતાં સબસિડીના નામે પ્રજાની આંખમાં ધૂળ નાંખવામાં આવી રહી છે. હકીકતમાં હજ કમિટી અને સરકાર પોતે હજયાત્રીઓ પાસેથી લખલૂટ કમાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ચાલુ વર્ષે હજ કમિટીના માધ્યમથી હજ કરી પરત ફરેલા હાજીઓનું જણાવવું છે કે મક્કા શરીફમાં રૂમ ભાડા (અઝીઝિયા કેટેગરી) પેટે રપથી ર૬ દિવસના રૂા.૪૦,૮૬૭ એટલે કે દિવસના ૧પ૦૦થી ૧૬૦૦ વસૂલ કરાયા હોવા છતાં રૂમના કોઈ ઠેકાણા ન હતા. ૭થી ૮ હાજીઓ વચ્ચે એક રૂમ ફાળવાયો હતો. એમાં તમામ હાજીઓની બેગ સહિતનો સામાન અને મહિલાઓ સાથે કઈ રીતે રહેવું તે મુશ્કેલ બન્યું હતું.
હાજીઓએ ગળગળા સાદે જણાવ્યું હતું કે એક મહિલા અન્ય અજાણ્યા પુરૂષ (નામહેરમ) સાથે કઈ રીતે રહી શકે ? એમ જણાવી તેમણે પ્રશ્ન ઊઠાવ્યો હતો કે એક જ કુટુંબના મહિલા અને પુરૂષ સભ્યોને એક સાથે એક રૂમમાં રહેવું મુશ્કેલ બનતું હોય ત્યારે અજાણ્યા પુરૂષોની હાજરીમાં મહિલાઓની હાલત કેવી કફોડી થતી હશે ? તે હજ કમિટીને નહીં સમજાતું હોય ? બીજું હજ કમિટી દ્વારા દરેક વિમાન સાથે એક એક હજ ખિદમતગાર મોકલવામાં આવતા હોય છે પરંતુ મક્કાશરીફમાં જઈ આવા ખિદમતગારોને શોધવા મુશ્કેલ બને છે ત્યારે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન હાજીઓને પડતી મુશ્કેલી અંગે હજ કમિટી ઓફ ઈન્ડિયાને ભારપૂર્વક રજૂઆત કરે અને જે પ્રમાણે નાણાં વસૂલવામાં આવે છે તે મુજબ સુવિધા આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks