બાઈક ચોરીની શંકામાં સનાઉલ શેખ સાથે મારપીટ કરી તેની હત્યા કરાતા માલ્દામાં તંગદિલી

(એજન્સી) તા.૧
ઝારખંડમાં તબરેઝ અન્સારીની હત્યાનો કિસ્સો હજી શાંત નથી થયો કે, હવે પશ્ચિમ બંગાળમાં ચોરીની શંકાના આધારે એક મુસ્લિમ યુવક સાથે મારપીટ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ યુવકની ઓળખાણ સનાઉલ શેખ તરીકે થઈ હતી અને તે ર૪ વર્ષનો હતો. અહેવાલો પ્રમાણે શેખને ગુપ્તાંગ, આંખો અને કાનમાં ઈજા પહોંચી હતી. મારપીટ પછી તેને માલ્દા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી કોલકાતાના એસએસકેએમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેનું મૃત્યુ થયું હતું. સનાઉલ શેખની માતા સૂફિયાએ જણાવ્યું હતું કે, “સનાઉલની પત્ની અને ૬ મહિનાની એક બાળકી છે, તે પરિવારમાં એકમાત્ર કમાવનાર વ્યક્તિ હતો, તે ઈંટની ભઠ્ઠીમાં કામ કરતો હતો. બુધવારે કેટલાક લોકોએ તેને ઘરની બહાર બોલાવ્યો હતો. પાછળથી અમને જાણકારી મળી હતી કે, સનાઉલ સાથે મારપીટ કરવામાં આવી હતી. રવિવારના દિવસે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, લઘુમતી સમુદાયના લોકોએ આ ઘટનાના વિરોધમાં એનએચ-૩૪ પર પ્રદર્શનો કર્યા હતા. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.” કોંગ્રેસના નેતા અને સુજાપુરના ધારાસભ્ય ઈશાખાન ચૌધરીએ શેખના પરિવાર સાથે વાત કરી હતી. તેમણે શાંતિની અપીલ કરવાની સાથે સાથે સનાઉલ સાથે મારપીટ કરનારા લોકોની ધરપકડ કરવાની માગણી પણ કરી હતી. ચૌધરીએ કહ્યું હતું કે, “મૃતકના પરિવારજનો બેશનભનગર પોલીસ સ્ટેશને મૃતદેહ લઈ જઈ વિરોધ પ્રદર્શન કરવા માંગતા હતા. મેં તેમને દફનવિધિ માટે સમજાવી પ્રદર્શન બંધ કરવા કહ્યું હતું.” તેમણે કહ્યું હતું કે, “અમે માગણી કરી હતી કે, શેખ સાથે મારપીટ કરનારા લોકોની ધરપકડ કરવામાં આવે.” બીજી તરફ માલ્દાના એસ.પી. આલોક રાજોરિયાએ કહ્યું હતું કે, શેખ પર થયેલા હુમલાના સંદર્ભમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks