રાજકોટ,તા.૧૩
કચ્છના રાપરથી માલધારીઓની હિજરત હજુ પણ યથાવત જોવા મળી રહે છે. દોઢ મહિના પહેલા કચ્છના રાપર તાલુકાના જ કેટલાક માલધારીઓ પોતાના પરિવાર અને પશુધન સાથે રાજકોટ આવી પહોંચ્યા હતા. કચ્છમાં દાતાઓની કે સરકારી તંત્ર તરફથી કોઈ સહાય ન મળતા કચ્છના સીમાડા છોડી માલધારીઓ રાજકોટ આવ્યા હતા. રાજકોટ પહોંચતા ની સાથે જ દાનનો પ્રવાહ વહેતો થતા છેલ્લા દોઢ મહિનાથી રાજકોટના ન્યારા ગામે માલધારીઓ સુખેથી રહે છે. ત્યારે વધુ માલધારીઓ પોતાના પરિવાર અને ૬૦૦ પશુધન સાથે રાજકોટના રતનપર ગામે આવી પહોંચ્યા છે.
માલધારીઓએ દાતા પાસે અપીલ કરી છે કે તેમના મુંગા જીવને ખવડાવવા માટે તેમની પાસે કોઈ ઘાસચારો નથી. ત્યારે કોઈ સામાજીક સંસ્થાઓ કે દાતાઓ આગળ આવી ઘાસચારો પૂરો પાડે. ઉલ્લેખનીય છે કે દોઢ મહિનાથી ૩ હજાર પશુધન સાથે માલધારીઓ રાજકોટ આજુબાજુ આશરો લીધો છે. દુષ્કાળને કારણે હજુ ૨૫૦૦ ગાય સૌરાષ્ટ્ર તરફ આવવા કચ્છથી રવાના થઈ છે. ત્યારે આ માલધારીઓ આગામી જૂન-જુલાઈ સુધી માલધારીઓ સૌરાષ્ટ્રમાં વસવાટ કરશે તેવું જણાવ્યું હતું.