(એજન્સી) તા.૨૧
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સનસનાટીપૂર્ણ ૨૦૦૮ના માલેગાવ બ્લાસ્ટ કેસમાં આરોપી કર્નલ પ્રસાદ પુરોહિતને સુપ્રીમ કોર્ટે આજે મોટી રાહત આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે છેલ્લા નવ વર્ષથી જેલમાં રહેલા કર્નલ પુરોહિતને જામીન આપી દીધા છે. આ અગાઉ ૧૭મી ઓગષ્ટના દિવસે આ મામલાની સુનાવણી પૂર્ણ કરીને સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટીસ આરકે અગ્રવાલ અને એએમ સાપ્રેની બનેલી બેંચે આ ચુકાદો આપ્યો હતો. પુરોહિત તરફથી વકીલ હરિશ સાલ્વે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી પુરોહિતને જામીન આપવાનો વિરોધ કરી રહી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે પુરોહિતની સામે પુરતા પ્રમાણમાં પુરાવા રહેલા છે. આ મામલે મુંબઇ હાઇકોર્ટના ચુકાદાને યથાવત રાખવાની અપીલ કરવામાં આવી હતી. સાલ્વેએ કહ્યુ હતુ કે ન્યાયના હિતમાં પુરોહિતને જામીન આપવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યુ હતુ કે જ્યારે આ કેસમાં અન્ય એક આરોપી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન મળી ચુક્યા છે ત્યારે પુરોહિતને જામીન કેમ ન મળવી જોઇએ. દરમિયાન શિવસેનાએ કર્નલ પુરોહિતના જામીનને આવકારી તેને હીરો ગણાવ્યો હતો.
બીજી બાજુ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કર્નલ પ્રસાદ પુરોહિતને સુપ્રીમ કોર્ટથી જામીન મળતા કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના શાસનકાળમાં એક પછી એક હિન્દુવાદી સંગઠનો સાથે જોડાયેલા આરોપીઓને ક્લીનચીટ મળી રહી છે. કર્નલ પુરોહિતને જામીન મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે, તમામ બ્લાસ્ટ કેસમાં ભાજપની સરકાર સંઘ સાથે જોડાયેલા આરોપીઓને બચાવી રહી છે. એનઆઈએ સામે પણ દિગ્વિજયસિંહે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, એનઆઈએ વડાને બે વખત એક્સેન્ટશન પણ આપવામાં આવીચુક્યું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, નિવૃત્તિ બાદ પણ તેમને ઇનામ મળી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ કહ્યું છે કે, જામીન મળી જવાનો મતલબ એ નથી કે, કોઇ કેસમાં નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. બીજી બાજુ ભાજપે કર્નલ પુરોહિતને જામીન મળ્યા બાદ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા.
સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા બાદ ભારતીય સેના કર્નલ પુરોહિતના સસ્પેન્શનને રદ કરવા સમીક્ષા કરે તેવી શક્યતા છે જેથી શ્રીકાંત પ્રસાદ પુરોહિત ફરી આર્મીમાં જોડાય તેવી શક્યતા છે તેવી માહિતી સેનાના સૂત્રોએ આપી હતી. પુરોહિતને ૨૦૦૮માં માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં પકડી લેવામાં આવ્યો હતો. પુરોહિત માટે એવી દલીલો કરવામાં આવી હતી કે, તેણે કાશ્મીરમાં કાર્યકાળ વખતે આતંકવાદ વિરોધી અભિયાનોમાં ભાગ લીધો હતો અને સેનાના ગુપ્તચર વિભાગમાં પણ કામ કર્યું છે તેને નવ વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું છે. આતંકવાદના કેસમાં પ્રથમ વખત ધરપકડ થયેલા સેનાના અધિકારી કર્નલ પુરોહિતને કોર્ટે એક લાખ રૂપિયાની પર્સનલ સિક્યોરિટી અને બે લોકોની જામીનગીરી સાથે મુક્ત કરવામાંઆવ્યો છે. આ દરમિયાન કોર્ટે તેના પાસપોર્ટને જપ્ત કરવા આદેશ આપવાની સાથે એનઆઇએને સહકાર આપવા પણ આદેશ આપ્યો હતો.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સાંપ્રદાયિકરીતે ખુબ જ સંવેદનશીલ માલેગાંવમાં ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં સાત લોકોના મોત થયા હતા. જસ્ટિસ આરકે અગ્રવાલ અને જસ્ટિસ મોહન એમ શાંતાનાગોદરની બેંચે પુરોહિતની અરજી ઉપર સુનાવણી કરી હતી. આ અગાઉ ૧૪મી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે, તે ૧૭મી ઓગસ્ટના દિવસે પુરોહિતની જામીન અરજી ઉપર તથા પ્રજ્ઞાની જામીન અરજી ફગાવી દેવાના મામલા પર વિચારણા કરશે. આ પહેલા મુંબઈ હાઈકોર્ટે પુરોહિતની જામીન અરજીને ફગાવી દીધી હતી. પુરોહિતે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકારી જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બીજી બાજુ બોંબ બ્લાસ્ટના પીડિતો પૈકીના એક નિસાર અહેમદ હાજી બિલાલે સાધ્વીને જામીન આપવાના મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંક્યો હતો.