
(સંવાદદાતા દ્વારા) માળીયામિંયાણા,તા.૧૧
માળીયા મિંયાણાના વાંઢ વિસ્તારમાં આવેલ અને નગરપાલીકાના વોર્ડ નંબર ૧ થી ૬માં પીવાના પાણીની ગંભીર પરીસ્થિતિ ઉભી થઈ છે જેમા વોર્ડ નંબર-૧માં આવતા વીડી વાંઢ દંદીપડા વાંઢ મોવરના ટીંબાવાંઢ ગુલાબળી વાંઢ જખરીયા પીર વાંઢ અને સિમાળા વાંઢ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે તંત્ર ના પાપે ઉભી થયેલ પાણીની પળોજણ થી પાણી મળતુ નથી જેથી અહી વસવાટ કરતા લોકોને છેલ્લા ત્રણ માસથી પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે વાઈબ્રન્ટ ગુજરાત માં વસતા માળીયાના વાંઢ વિસ્તારના રહેવાસીઓને અત્યાર સુધી મજબુર થઈ વરસાદી પાણીના ભરેલા ખાડા માંથી પોતાના પશુઓ અને પરીવારજનોને પાણી પુરૂ પાડતા હતા પણ ખાડા સુકાઈ જતા પશુઓ અને ત્યાના રહેવાસીઓને પીવા પાણી મળતુ ન હોવા થી પડતી હાલાકીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે માળીયા નગરપાલીકામાં બાર જેટલા વાંઢ વિસ્તાર આવે છે જેમા ૧ થી ૬ વાંઢ વિસ્તારના લોકોને વેચાતુ પાણી લેવાની નોબત આવી છે આ વિસ્તારના લોકોને ભરશિયાળે પાણી માટે રઝળપાટ કરવી પડે તેવી ગંભીર પરીસ્થિતિ ઉભી થઈ છે આ બાબતે સુન્ની મુસ્લિમ સમાજ હુશેની કમિટીના પ્રમુખ હાજી અબ્દુલ્લાભાઈ કટીયા સહીતના ઓએ માળીયા નગરપાલિકા કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતા બેજવાબદાર પાલીકા તંત્ર કુંભકર્ણ નિંદ્રા માણી રહ્યુ છે ત્યારે અહી પછાત માળીયામાં સરકારના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે પછી સ્વચ્છ અભિયાન હોય કે વાઈબ્રન્ટ ગુજરાતના બણગા હોય અહી સૌનો સાથ પણ નથી કે વિકાસ નથી માત્ર ને માત્ર પ્રજા પાણી વિના પરેશાન છે. ચીફ ઓફિસર પણ ઘણા સમયથી ગેરહાજર હોય લોકોના અનેક પ્રશ્ર્ન અધ્ધરતાલ છે જે બાબતે માળીયા મિંયાણા તાલુકા કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે વિકટ બનેલી પાણીની સમસ્યા હલ કરવા જણાવ્યુ હતુ.