(એજન્સી) મિનદાપુર, તા. ૧૬
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલા દરેક દાવા મુદ્દે ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (એઆઇટીસી)એ વખોડી કાઢ્યા હતા અને આરોપ મુક્યો હતો કે, રેલીમાં જોડાયેલા તમામ લોકો ઝારખંડ અને ઓરિસ્સા જેવા પાડોશી રાજ્યોમાંથી બોલાવાયા હતા. મિદનાપુરમાં મોદીએ મમતા બેનરજી પર આરોપ લગાવ્યો હતો કે, સત્તા પર ટકી રહેવા માટે વોટબેંકની આખી સિન્ડીકેટ કામ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારા આગમનના માર્ગ પર ઘણા બધા તૃણમુલના બેનરો લગાવવા માટે હું દીદીનો આભાર વ્યક્ત કરૂ છું, મને આવકારવા માટે તેઓ પોતે પણ ઉભા રહ્યા છે. જોકે, મોદીને દરેક મુદ્દે વળતો જવાબ આપતા ટીએમસીએ કહ્યું કે, ભાજપે આગ સાથે રમવું ન જોઇએ અને આરોપ મુક્યો હતો કે, આ પાર્ટી ધાર્મિક ઉદ્દામવાદ, લિન્ચિંગ અને ભ્રષ્ટાચારને આગળ વધારવા સિન્ડીકેટમાં કામ કરે છે. તૃણમુલની વેબસાઇટ પર મોદીને જવાબ આપવા પાંચ ‘ફેક વર્સિસ ફેક્ટ’ મુદ્દા ટાંકવામાં આવ્યા હતા અને પૂછ્યું હતું કે, ભાજપ તેમની એજન્સીઓ દ્વારા અમને હેરાન કરવાનો પ્રયાસ કરે છે પણ તેઓ કોઇપણ સિન્ડીકેટથી ડરવાના નથી. બંગાળ તમામ માટે છે, તે સમગ્ર વિશ્વનું સાંસ્કૃતિક પાટનગર છે. ભાજપના નેતાનું ભાષણ દર્શાવે છે કે, તેમની પાસે વિકાસનો કોઇ એજન્ડા નથી. તેઓ અહીં ફક્ત રાજકીય ભાષણ આપવા આવ્યા છે. તેનું ચોખ્ખું પરિણામ શુન્ય, શુન્ય, શુન્ય છે. દરમિયાન તૃણમુલ કોંગ્રેસે સભામાં પંડાલ પડવાને કારણે ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે, આ કાર્યક્રમના આયોજકોએ ઘટનાની જવાબદારી લેવી જોઇએ.