(એજન્સી) કોલકાતા, તા.રપ
ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયને કહ્યું છે કે, ર૦૧૮-૧૯નું વર્ષ સમવાય વિચારોનું છે તેથી પ્રાદેશિક પક્ષો તેમની કેન્દ્રમાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે અને વરિષ્ઠ નેતા મમતા બેનરજીને આગળ ધપાવશે. તેમણે કહ્યું કે મમતા બેનરજી વડાપ્રધાન પદની દોડમાં અગ્રેસર તરીકે ઊભરી રહ્યા છે તેમાં કંઈ નવું નથી. કોંગ્રેસે બિનસંઘીય વિપક્ષીય ઉમેદવારને વડાપ્રધાન બને તો તેને કોઈ વાંધો નથી તેવા કરેલા નિવેદન બાદ ટીએમસી નેતાએ આ પ્રતિક્રિયા આપી હતી. ર૦૧૮નું વર્ષ સામયિક વિચારનું છે પરંતુ તે અંગેની વાત પછી નક્કી થશે. વાસ્તવિકતા એ છે કે, દરેક વ્યક્તિનું ધ્યાન કેન્દ્રમાં નવી સરકાર ચૂંટવા પર હશે અને ભાજપને હટાવવાનું રહેશે તેથી આ સંદર્ભમાં મમતા બેનરજી ચર્ચામાં છે. રાજ્યસભાના ટીએમસીના સાંસદે કહ્યું કે, મમતા બેનરજીને બંગાળ સહિત દેશભરના લોકોએ સ્વીકાર્યા છે. તેમણે રાજકારણમાં ૪૦ વર્ષ સંઘર્ષ કર્યો છે. તેઓ સાંસદ, મંત્રી અને મુખ્યમંત્રી રહ્યા છે. મમતા બેનરજીને વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે આગળ ધપાવવા બાબતે રાહુલ ગાંધીએ કંઈ કહ્યું નથી. ટીએમસી નેતાએ કહ્યું કે વિપક્ષોની એકતાએ ભાજપને સંદેશો આપી દીધો છે કે ભાજપ ૧૦૦થી ૧પ૦ બેઠકો વચ્ચે સમેટાઈ જશે. આગામી ચૂંટણીમાં મમતા બેનરજી પ્રાદેશિક પક્ષોને ભેગા કરી ભાજપનો મુકાબલો કરવા જઈ રહ્યા છે. પરંતુ ઘણા વિપક્ષો તેમના પ્રયાસો અંગે સંશયવાદી છે. મમતા બેનરજી આગામી અઠવાડિયે ત્રણ દિવસની દિલ્હીની મુલાકાતે જશે અને ફેડરલ ફ્રન્ટની જાન્યુઆરીમાં કોલકાતામાં યોજાનાર રેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપશે. તેમણે અગાઉ વિપક્ષી નેતાઓને ફેડરલ ફ્રન્ટના ટેકા માટે મજબૂત કરવા પ્રયાસ કર્યો હતો.