(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ઈદ-ઉલ-અઝહાના તહેવાર નિમિત્તે પશ્ચિમ બંગાળમાં કુરબાનીના પશુઓ માટે કેટલાક આકરા નિયમો લાગુ કરવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ અંગે રાજ્યની મમતા બેનરજી સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી આવી વ્યવસ્થા આગામી વર્ષના અંત સુધી ગોઠવવા જણાવ્યું હતું. કોર્ટે કુરબાનીના પશુઓ માટે હેલ્થ સર્ટીફિકેટ અનિવાર્ય બનાવવા તેમજ સ્લોટર હાઉસમાં જ કુરબાની કરવાની વ્યવસ્થા ગોઠવવા મમતા બેનરજી સરકારને નિર્દેશ કર્યો હતો. મમતા બેનરજીની સરકારે કલકત્તા હાઈકોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી હતી. ઈદ-ઉલ-અઝહાના તહેવાર દરમિયાન પશુ હત્યાનું નિયમન કરવા કોર્ટના આદેશ સંબંધે આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટે આ મામલે મમતાની સરકારને પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા ફરમાન કર્યું હતું. આ મામલે મમતા બેનરજીની સરકારે વડી અદાલતમાં એફિડેવિટ દાખલ કરી જણાવ્યું હતું કે, એવી કોઈ આધારરૂપ વ્યવસ્થા નથી કે એનિમલ સ્લોટરનું નિયમન કરી શકાય. એફિડેવિટમાં આ માટે ચાર કારણો રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં અને અંતરિયાળ વિસ્તારમાં ઈદ-ઉલ-અઝહાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ એનિમલ સ્લોટર કંટ્રોલ એકટ ૧૯પ૦ (રર ઓફ ૧૯પ૦) તેમજ ૧૯૭૯નો સુધારા કાયદો ૧૯ની જોગવાઈઓ લાગુ કરવા પશ્ચિમ બંગાળ પાસે કોઈ ખાસ આધારરૂપ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. ઉપરાંત રાજ્યમાં પશુ ડૉક્ટરો અને અધિકારીઓની સંખ્યા પણ ઘણી ઓછી છે. એટલું જ નહીં રાજ્યમાં સ્લોટર હાઉસ પણ ઘણા ઓછા છે. એફિડેવિટમાં જણાવાયું હતું કે, આ કાયદા મામલે રાજ્ય સરકાર જરૂરી પગલાં ભરશે. આગામી કેલેન્ડર વર્ષના અંત સુધી વ્યવસ્થા લાગુ કરાશે. સરકાર માટે શક્ય નથી કે તે ટૂંકા સમયમાં આ કાયદાની જોગવાઈઓ કડક રીતે અમલી બનાવી શકે. કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો હતો કે ઈદ-ઉલ-અઝહાના તહેવાર મામલે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવે. ‘‘રાજ્યશ્રી ચૌધરી ફ/જ પશ્ચિમ બંગાળ અને અન્યો’’ કેસના પગલે આ હુકમ અપાયો હતો. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય અને જસ્ટિસ અરીજીત બેનરજીએ આ આદેશ પસાર કર્યો હતો. આ અહેવાલમાં સરકારને જણાવવામાં આવ્યું હતું કે, એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે જે હેઠળ કુરબાની માટેના પશુઓ માટે આરોગ્ય પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવે. એટલે કે સ્લોટર માટેના પશુઓ આરોગ્યની દ્રષ્ટિએ ‘‘ફિટ’’ હોવાના પ્રમાણપત્ર બાદ જ તેમની ‘‘કુરબાની’’ કરવાની મંજૂરી આપવામાં આવે તેમજ આવા પશુઓની કુરબાની માત્ર મ્યુનિસિપલ સ્લોટર હાઉસ અથવા સ્થાનિક તંત્ર દ્વારા મંજૂર કરાયેલી જગ્યાએ જ કરવામાં આવે.