કોલકાત્તા,તા.૧૨
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો કર્યો છે કે, લોકસભા ચૂંટણીની પ્રક્રિયા જાણી જોઈને લાંબી ખેંચવામાં આવી રહી છે. ભાજપ આવું એટલા માટે કરી રહી છે કારણ કે ભાજપ બંગાળને પરેશાન કરવાની તેમના યોજના અંર્તગત એક વધુ સ્ટ્રાઈક કરી શકે. હું એ ન કહી શકુ કે કેવા પ્રકારનો હુમલો. તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખના આ નિવેદનને ભારત તરફથી સંભવિત સૈન્ય કાર્યવાહી માટેનો ઈશારો માનવામાં આવે છે.
મમતાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમુક સીનિયર પત્રકારોએ મને જણાવ્યું કે, વધુ એક હુમલો થવાનો છે. હું ન કહી શકું કે કેવા પ્રકારનો હુમલો. એપ્રિલમાં કદાચ….કદાચ…કદાચની શક્યતા છે. આ જ કારણથી મતદાન પ્રક્રિયા ૧૯ મે સુધી લંબાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, મહેરબાની કરીને મને ખોટી રીતે રજૂ ન કરતા. ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા માટે મારા મનમાં ઘણું સન્માન છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં વાતાવરણ ખરાબ કરવું તે ભાજપની યોજના છે.
મમતાના આરોપ વિશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીલિપ ઘોષે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, પાયાવિહોણા આરોપ લગાવવા તેમની આદત છે. તેઓ માત્ર હવામાં વાતો કરે છે. જો તેમની પાસે પુરાવા હોય તો તેમણે તે જાહેર કરવા જોઈએ.