National

મમતા વિરૂદ્ધ CBI : રાજ્યપાલે ગૃહ મંત્રાલયને ગુપ્ત રિપોર્ટ મોકલ્યો, બંગાળ સરકાર હાઇકોર્ટમાં, CBIની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

(એજન્સી) કોલકાતા, તા. ૪
પશ્ચિમ બંગાળમાં સીબીઆઇ અને મમતા સરકારના વિવાદને લઇ રાજ્યના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ એક ગુપ્ત રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. રવિવારે સાંજે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે દરોડા મારવા પહોંચેલી સીબીઆઈની ટીમના અધિકારીઓને જ કોલકાતા પોલીસે ઘેરી લીધા અને ધરપકડ કરી. સીબીઆઈના વિરોધમાં મમતા ધરણા પર બેસી ગયા. તો બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને મમતા સરકાર વચ્ચે વકરી રહેલા વિવાદને લઈને રાજ્યના ગવર્નર કેસરીનાથ ત્રિપાઠીએ એક ગુપ્ત રિપોર્ટ ગૃહમંત્રાલયને મોકલી આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહમંત્રાલય સીબીઆઈના કામમાં અડચણ ઉભી કરવાના આરોપમાં ઘટનાસ્થળે હાજર આઈપીએસ અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી શકે છે. દરમિયા શારદા ચિટફંડ કેસ સાથે સંબંધિત ઇલેકટ્રોનિક પુરાવાનો નાશ બદલ કોલકાતાના પોલીસ કમિશનર સામે સીબીઆઇની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સહમત થઇ છે અને મંગળવારે આ અંગે સુનાવણી થશે. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકાર સીબીઆઇની કાર્યવાહી વિરૂદ્ધ કોલકાતા હાઇકોર્ટમાં પહોંચી છે. મમતાએ ધરણાના સ્થળેથી જ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. મમતાએ કહ્યું છે કે, તેમના આ ધરણા ૮ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. ત્યાર બાદ પણ ધરણા યથાવત રહેશે, પણ માઈકનો ઉપયોગ નહીં કરવામાં આવે. કારણ કે ૮ ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, લોકતંત્ર ખતમ થઈ ગયું છે, જો તમે ભાજપનો વિરોધ કરીએ તો તેઓ એજંસીઓનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, અમે ઝુકીશું નહીં, સરકારી વહીવટ અહીંથી જ યથાવત રહેશે. મમતા બેનરજીએ ઘરણાસ્થળે જ કેબિનેટની બેઠક યોજી હતી. તેઓ અહીં બેઠા બેઠા જ તમામ ફાઈલો પર સહી કરી રહ્યાં હતા. મમતા બેનરજી સાથે તેમની આખી કેબિનેટ પણ ધરણાસ્થળે જ હતી. ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “અમે પૂછવા માંગીએ છીએ કે મમતા ધરણા પર કેમ બેઠી છે? પોલીસ કમિશનરને બચાવવા માગે છે કે પોતાને બચાવવાના પ્રયાસ કરી રહી છે? તે છુપાવવા શું માગે છે? ચિટફંડ મામલે તૃણુમૂલના સાંસદ અને મંત્રીની ધરપકડ થઈ, ત્યારે મમતાએ ધરણા ન કર્યાં. એક લાલ ડાયરી, એક પેન ડ્રાઈવનો ઉલ્લેખ થયો હતો જેમાં અનેક લોકોના નામ છે, પેમેન્ટની જાણકારી છે. મમતા બેનરજીએ કહ્યું, દેશ નરેન્દ્ર મોદીથી પરેશાન થઈ ચૂક્યો છે. અહીં ઈમરજન્સી કરતાં પણ વધારે ખરાબ હાલત છે. અમારી ધીરજ હવે પૂરી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર સીબીઆઈને કાર્યવાહી કરવા માટે પ્રેશર કરી રહી છે. મોદીએ સીબીઆઈને કહ્યું કે, કઈંક તો કરો. ભાજપ ચોર પાર્ટી છે. કોલકાતામાં અમારી રેલી પછી મોદી અને અમિત શાહ અમારી પાછળ પડી ગયા છે. ભાજપની એક્સપાઈરી ડેટ નજીક છે. પોલીસ કમિશ્નરના ઘરે અજીત ડોભાલના ઈશારાથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજીવ કુમાર દુનિયાના ખૂબ સારા ઓફિસર છે. ચિટફંડ કૌભાંડમાં અમે તપાસ કરી છે, અમુક લોકોની ધરપકડ પણ કરી છે. સીબીઆઈ ટીમ વોરંટ વગર પોલીસ કમિશ્નરના ઘરે પહોંચી છે. મારુ કામ બધાને સુરક્ષા આપવાનું છે. મોદી વિરુદ્ધ આપણે એક થવાનું છે. મોદીને હટાવીને દેશ બચાવો. આજે દેશના માળખા અને સંવિધાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. હું લોકતંત્રને બચાવવા માટે ધરણાં પર બેઠી છું. આજે કેબિનેટ બેઠક પણ અહીંથી જ થશે. જોકે પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે આ પહેલી વખત વિવાદ નથી થયો. ત્રણ મહિનાની અંદર આ ત્રીજી ઘટના છે.

પીએમ મોદી CBI દ્વારા મારી પણ ધરપકડ કરાવી શકે : મમતા બેનરજી

(એજન્સી) કોલકાતા, તા. ૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાના નજીકના મનાતા માણિક મજુમદારની સીબીઆઇ દ્વારા પુછપરછ અને ટોચના નેતા ડેરેક ઓબ્રાયન અને સુબ્રતા બક્ષીને નોટિસ મોકલ્યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી સામે પ્રહારો કર્યા હતા. તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, તેઓ મારા રસોઇયાને પણ નોટિસ મોકલે તો આશ્ચર્ય ના પામશો. હું આની રાહ જોઇ રહી છું. તેઓ કેટલી નોટિસો મોકલશે ? આજે હું તમારી બધાની સામે કહું છું કે, હું બજેટનો વિરોધ કરૂ છું. આ માટે તેઓ મારી પણ ધરપકડ કરી શકે છે. પણ હું સીબીઆઇ અધિકારીઓને જવાબદાર ગણતી નથી કારણ કે તેઓને આવું કરવા સૂચન કરાયું છે. મેં સાંભળ્યું છે કે, સીબીઆઇ અધિકારીઓને પીએમને ઘરે બોલાવાયા હતા. તેઓને કહેવાયું છે કે, કાંઇ તો કરો, આને નોટિસ મોકલો, તેને નોટિસ મોકલો, ચા વાળો હવે સીબીઆઇ વાળો બની ગયો છે. મમતા બેનરજીના નિવેદનનો જવાબ આપતા ભાજપના રાજ્યના પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું કે, તેમનામાં રાજકીય શિષ્ટાચારનો અભાવ છે. જે સીબીઆઇના રડારમાં છે તેમનાથી તેઓ ઘેરાયેલા છે. સૂત્રો અનુસાર મમતાએ મજુમદારની સીબીઆઇ દ્વારા પુછપરછને હળવાશમાં લીધી નથી. પાર્ટીના નેતા મજુમદાર ત્યારથી મમતા સાથે જોડાયેલા છે જ્યારે મમતા બેનરજી સાંસદ હતા. તેઓ હવે પાર્ટીની બાબતો તેમના ઘરેથી જ ચલાવે છે. સૂત્રો અનુસાર પાર્ટીએ દાવો કર્યો છે કે, મુખ્યમંત્રીએ ૧૦૦થી વધુ પેઇન્ટિંગ્સ બનાવી છે અને તેમાંથી કેટલીક ઘણી ઓછી કિંમતે વેચી છે. જોકે, સૂત્રો અનુસાર આમાં કોઇ બે મત નથી કે, આ પેઇન્ટિંગ્સમાંથી તેમણે કોઇ પાસેથી એક પણ પૈસો લીધો નથી.

CBI વિરૂદ્ધ મમતા : પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા ભાજપની માગ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
મમતા બેનરજીની આગેવાનીવાળી તૃણમુલ કોંગ્રેસ અને સીબીઆઇ વચ્ચે રવિવારે સાંજથી શરૂ થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, મમતા બેનરજી દ્વારા ઉભી કરાયેલી બંધારણીય કટોકટીમાંથી હાલ રાજ્ય પસાર થઇ રહ્યું છે. તેમણે ભ્રષ્ટાચારી અને કલંકિત લોકોને બચાવવાનો મમતા પર આરોપ મુક્યો હતો. રવિવારે સાંજે સીબીઆઇ અને મમતા બેનરજીની આગેવાનીવાળી પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતામાં એકબીજા સાથે બાથ ભીડી હતી. સીબીઆઇ વિરૂદ્ધ મમતા બેનરજીએ ધરણા શરૂ કર્યા ત્યારે આ હાઇવોલ્ટેજ ડ્રામાથી બધા ચોંકી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં વિવિધ જગ્યાએ કથિત ચીફ ફંડ કૌભાંડની તપાસને દબાવવામાં કથિત ભૂમિકા માટે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા માટે સીબીઆઇ પહોચી હતી ત્યારબાદ આ ઘર્ષણ શરૂ થયું હતું. તૃણમુલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મુકુલ રોયે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં હાલ બંધારણીય કટોકટી જેવી સ્થિતિ છે. રાજ્યના ભાજપના પ્રમુખ દિલિપ ઘોષે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કોઇ લોકતંત્ર બચ્યું નથી અને મમતા બેનરજી સરમુખત્યાર તરીકે શાસન કરે છે. તેમણે ટિ્‌વટમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર, બંધારણ કે સીબીઆઇ કોઇપણ સલામત નથી. દિલીપ ઘોષે આ ઉપરાંત મમતા બેનરજી પર ચીટ ફંટ કૌભાંડની તપાસમાં અડચણ ઉભી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે, તેઓ દોષિતોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્રની ભાજપ સરકારમાંથી કોઇ મોટી પ્રતિક્રિયા આવી ન હતી.

પ.બંગાળ સરકાર અને CBI વચ્ચે થયેલ સંઘર્ષના પડઘા સંસદના બંને ગૃહોમાં પડતાં ગૃહો મોકૂફ

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
આજે સંસદમાં બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ બંને ગૃહોમાં હોબાળો થતાં થોડી જ મિનિટો પછી ગૃહો મોકૂફ રાખવા ફરજ પડી હતી. હોબાળાનું કારણ પ.બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચે થયેલ સંઘર્ષ હતો. જેના લીધે વિપક્ષોએ કાર્યવાહી અવરોધી હતી. ૩૧મી જાન્યુઆરીથી શરૂ થયેલ બજેટ સત્ર ૧૩મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદે આ મામલો ઉઠાવતા સભા ૧ર વાગ્યા સુધી મોકૂફ રખાઈ હતી. આ જ પ્રકારના હોબાળાના લીધે લોકસભા પણ બપોરે ૧ર વાગ્યા સુધી મોકૂફ રખાઈ હતી. આમ આદમી પક્ષના સાંસદ સંજયસિંહે રાજ્યસભાની કાર્યવાહી મોકૂફ રાખવા નોટિસ આપી હતી અને માગણી કરી હતી કે, સીબીઆઈના દુરૂપયોગ બદલ ગૃહમાં ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસે પોતાના સભ્યોેને આદેશ આપી જણાવ્યું છે કે, સમગ્ર સત્ર દરમિયાન એ હાજર રહે. કારણ કે, સંસદમાં વચગાળાના બજેટ બાબત ચર્ચા થવાની છે. જો કે, આ બજેટને વચગાળાના બજેટનું નામ અપાયું હતું, પણ એ સંપૂર્ણ બજેટની જેમ હતો. જેમાં અનેક રાહતો અપાઈ હતી. પ્રણાલી મુજબ જે સરકારનું કાર્યકાળ પૂર્ણ થતું હોય એમણે માત્ર આવક અને ખર્ચ બાબત જણાવવાનું હોય છે. અન્ય કોઈ જાહેરાતો કરવાની હોતી નથી. વિરોધપક્ષો આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ કહી રહ્યા છે. એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ દેશમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સુપ્રીમકોર્ટના ત્રણ જજો કોલકાતાના ઉચ્ચ પોલીસ અધિકારી સામે
CBI દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી આજે કરશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
બંગાળના પોલીસ કમિશનર અને સીબીઆઈ વચ્ચે ઘમાસાણ બાદ સોમવારે સીબીઆઈ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. પરંતુ અદાલતે તેની સુનવણી મંગળવારે કરવાનું નક્કી કર્યું હતું. સીબીઆઈએ પોલીસ કમિશનર પર ઈલેક્ટ્રોનિક્સ પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠ સમક્ષ સીબીઆઈની અરજીઓની સુનવણી માટે વિનંતી કરી. જેમાં પોલીસ કમિશનર રાજીવકુમાર સાથે જોડાયેલ પુરાવા નષ્ટ કરવાના અને અદાલતની અવગણનાનો આરોપ લગાવાયો હતો. કોર્ટે કહ્યું કે, બંગાળની પોલીસ દ્વારા ચીટ ફંડને લગતા પુરાવા નષ્ટ કરવા બાબતે સાબિતી સોલિસીટર જનરલ કે અન્ય કોઈપણ રજૂ કરી શકે છે. તે તમામ પુરાવા સોગંદનામા દ્વારા રજૂ કરી શકાશે. કોર્ટે કહ્યું કે, પોલીસ કમિશનરે કોઈ પુરાવા નષ્ટ કર્યાની સાબિતી અપાશે તો તેમની સામે સખ્ત કાર્યવાહી કરાશે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સીબીઆઈના અધિકારીઓની ધરપકડ કરવા બદલ કોલકાત્તા પોલીસ કમિશનરે તાત્કાલિક આત્મસમર્પણ કરવું જોઈએ. અરજીમાં સીબીઆઈએ એવો પણ આગ્રહ કર્યો હતો કે, પોલીસ કમિશનરને ચીટ ફંડ તપાસમાં સીબીઆઈને સહયોગ આપે. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે, સીબીઆઈની અરજી અંગે મંગળવારે સુનવણી હાથ ધરાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી 2

સક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.