National

‘મન કી બાત’ કાર્યક્રમ વડાપ્રધાનનો એક તરફી સંવાદ છે : કોંગ્રેસ

(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
રવિવારે કોંગ્રેસે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ એકતરફી સંવાદ છે, જેમાં વડાપ્રધાન બનારસ હિન્દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરૂદ્ધ પોલીસના પગલાંઓ, બેરોજગારી અને ઈંધણના વધતા ભાવો જેવા મહત્ત્વના મુદ્દાઓ અંગે વાતચીત નથી કરતા.
મોદીએ પોતાના આ રેડિયો કાર્યક્રમના ૩૬મા એપિસોડમાં કહ્યું કે તેમણે આ કાર્યક્રમનો ઉપયોગ લોકોનો દૃષ્ટિકોણ અને પ્રાણવિધાન પર પ્રકાશ પાડવા માટે કર્યો છે. પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે નહીં. ત્યારબાદ કોંગ્રેસે આ ટિપ્પણી કરી હતી.
“છેલ્લા ત્રણ વર્ષમાં આપણે સતતપણે જોતા આવ્યા છીએ કે ‘મન કી બાત’ કાર્યક્રમ વડાપ્રધાનનો એક તરફી સંવાદ છે, તેઓ ફક્ત એક તરફી સંવાદ કરે છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા અજય કુમારે જણાવ્યું હતું. કુમારે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન ગઈકાલે રાત્રે બનારસ હિન્દુ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, બેરોજગારી, ઈંધણના વધતા ભાવો, કાશ્મીર અને સરહદી વિસ્તારોની વણસતી પરિસ્થિતિ તથા બાળકોના શારીરિક શોષણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા નથી કરતા. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહીને સૌથી શરમજનક ઘટના ગણાવતાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેલ રાજ્ય અને કેન્દ્ર સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. છેલ્લા બજેટમાં બાળકીઓ માટે ફાળવવામાં આવેલું ભંડોળ ઘણું ઓછું હતું. તેવો આરોપ લગાવતા તેમણે સરકાર દ્વારા ચલાવાતા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંગે સરકારના હેતુઓ ઉપર પણ શંકા વ્યક્ત કરી હતી.
જો કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં વિદેશમંત્રી સુષમા સ્વરાજના સંબોધનને તેમણે આવકારતાં કહ્યું કે તેમણે ગત ૬૦ વર્ષોમાં ભારતે મેળવેલી સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે “હું સ્વરાજને વિનંતી કરું છું કે તેઓ વડાપ્રધાનને તાલીમ આપે જેઓ ગત ૬૦ વર્ષોમાં ભારતે મેળવેલી સિદ્ધિઓને સમજી શક્યા નથી.
ગરીબોને મદદ કરવા માટે ખાદીની પેદાશો ખરીદવાની મોદીની અપીલનો ઉલ્લેખ કરતાં કુમારે કહ્યું કે દેશના ગરીબો ચીજ-વસ્તુઓના વધતા ભાવો અને બેરોજગારીથી વ્યથિત છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા તેમણે સરકારને વિનંતી કરી હતી.
ભારતીય સંસ્કૃતિ, વિવિધતા અને સમૃદ્ધિને જાણવા દેશવાસીઓને ભારતમાં જ પ્રવાસ કરવાનું કહેતા મોદી ઉપર કુમારે આરોપ લગાવ્યો કે યુપીએ સરકાર વખતે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. પરંતુ જ્યારથી એનડીએ સરકાર સત્તા પર આવી છે ત્યારથી કાશ્મીરની સમસ્યાના કારણે કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. કાર્યક્રમ દરમિયાન મોદીએ કહ્યું કે તેમણે મન કી બાતમાં રાજકીય મુદ્દાઓને દૂર રાખી લોકો સાથે જોડાવાનો પ્રયાસ કર્યો છે.