‘ઈસ્લામિક બેન્કિંગ અને માઈક્રોફાયનાન્સ તકો, પડકારો અને ભવિષ્ય’ વિષય પર સેમિનાર યોજાયો
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.રર
દુનિયાની સંપત્તિ માત્ર પૂંજીપતિઓ સિવાય સમાજના નીચલા તબક્કાના લોકો પાસે પણ પહોંચે અને આર્થિક અસમાનતા દૂર થાય તેવી વ્યાજ રહિત ઈસ્લામિક બેન્કિંગ વ્યવસ્થા અનેક દેશોએ સ્વીકારી છે. પરંતુ શરિયત શબ્દના માત્ર ઉપયોગને કારણે ભારત દેશમાં આ બેંકિંગ વ્યવસ્થા લાગૂ કરવા આડે અનેક રોડા નંખાઈ રહ્યા છે. ત્યારે ઈસ્લામિક બેન્કિંગ વ્યવસ્થાથી ખુદ મુસ્લિમો વધુ પરિચિત થાય અને અન્ય લોકો આ મુસ્લિમ બેન્કિંગ માત્ર મુસ્લિમો માટે જ છે એવા ખ્યાલમાંથી બહાર આવી સાચા અર્થમાં વ્યાજ રહિત ઈસ્લામિક બેન્કિંગનો વ્યાપક અર્થ સમજે તે હેતુથી રવિવારના રોજ અમદાવાદ ખાતે ઈસ્લામિક બેન્કિંગ અને માઈક્રોફાયનાન્સ તકો પડકારો અને ભવિષ્ય એવા વિષય હેઠળ એક દિવસીય ભવ્ય સેમિનાર યોજાઈ ગયો. ઈસ્લામિક બેન્કિંગથી ભારતનો એક વર્ગ પ્રભાવિત થયો છે તેમજ ઇમ્ૈં પણ આ ક્ષેત્રે કાર્યરત થવા તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે અનેક વિધ્નો વચ્ચે પણ ઈસ્લામિક બેન્કિંગ અંગે લોકજાગૃતિ માટે કાર્યરત ઈન્ડિયન સેન્ટર ફોર ઈસ્લામિક ફાયનાન્સના દિલ્હીથી આવેલા ઈસ્લામિક બેન્કિંગની નેશનલ કમિટીના જનરલ સેક્રેટરી એચ. અબ્દુર રકીબે આ અંગે જણાવ્યું હતું કે, ભારત પ્રતિભાશાળી યુવાનોનો દેશ છે. પણ આ દેશમાં ભારે આર્થિક અસમાનતા છે.
જ્યાં પરંપરાગત બેન્કોમાં વ્યાજ દર ઊંચો હોય છે અને ગરીબોનો પૈસો પૈસાદારો તરફ ગતિ કરતો હોય છે. જયારે ઈસ્લામિક બેન્કિંગ પ્રમાણે પૈસાદાર લોકોના રોકાણથી ગરીબોને ફાયદો થાય છે જેને પરિણામે આર્થિક અસમાનતા ઓછી થાય છે. જો કે, મુસ્લિમોમાં પણ આ અંગે જાણકારીનો અભાવ એ દુઃખદ બાબત છે ત્યારે મુસ્લિમો આ દિશામાં જાગૃતિ કેળવે એ ખૂબ જરૂરી બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉલેમાઓએ પણ બેન્કિંગ ક્ષેત્રનું જ્ઞાન લેવું જરૂરી બની ગયું છે. આ અંગે ઈસ્લામ અને શરિયતને કેન્દ્રમાં રાખી બોલતાં મુફતી હકીમ અબ્દુલ કૈયુમે જણાવ્યું હતું કે, માનવતાં ત્યાં સુધી પ્રગતિ નહીં કરી શકે જ્યાં સુધી તેને વ્યાજ મુક્ત નહીં કરાય. આ અંગે મુસ્લિમોએ સમજ કેળવવા પર તેમણે ભાર મૂકયો હતો. જ્યારે તકવા એડવાઈઝરી અને શરિયા ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ.ના મેનેજર એસ.એમ.વસીઉલ્લાહએ માઈક્રો સ્મોલ અને મીડિયમ ઈન્ટરપ્રીનર્સ (સ્જીસ્ઈ)ની વિસ્તૃત છણાવટ કરી હતી અને મુસ્લિમો આ સેકટર સાથે સંકળાયેલા હોઈ એની સામેના પડકારોને પહોંચી વળવા ઈસ્લામિક બેન્કિંગના ખ્યાલને સમજે તે વાત પર ભાર મૂકયો હતો. જ્યારે ઈદાફા ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ.ના એમ.ડી.અશરફ મોહંમદીએ શરિયતના દાયરામાં અનેક વાતો પર પ્રકાશ પાડયો હતો. તેમણે લાલચમાં આવી વધારે નફો મેળવવાની સ્કીમોથી દૂર રહેવાની ટકોર કરી હતી જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત આસિ. જનરલ મેનેજર યુ.એફ.મલેક ઈસ્લામી બેન્કિંગનો ખ્યાલ નૈતિક મૂલ્યો સાથે સંબંધ ધરાવે છે અને સમાજમાં તેની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. જ્યારે સહુલત માઈક્રોફાઈનાન્સ સોસાયટીના ઉપપ્રમુખ અરશદ અજમલે ફાઈનાન્સની જરૂરિયાત અને તે અંગે જાગૃતિ પર પ્રકાશ પાડયો હતો. તેમણે ગુજરાતમાં રહેનારા લોકો અને ધંધો-વ્યવસાય કરનારા માટે મૂડીની પ્રાપ્તિ વિશે જાણવું ખૂબ જરૂરી છે તેમ જણાવી વ્યાજ મુક્ત માઈક્રોફાઈનાન્સની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સેફટી માટે રેગ્યુલેશન ખૂબ જરૂરી છે. આ સેમિનારમાંથી એક વાત ફલિત થતી હતી કે જ્યારે વ્યાજ આધારિત અર્થવ્યવસ્થા નિષ્ફળ જાય છે ત્યારે ઈસ્લામી નાણાકીય સંસ્થાઓને તેમના જેવા પરિણામો ભોગવવા પડતા નથી. આ અનુસંધાનમાં વ્યાજ મુક્ત ઈસ્લામી અર્થવ્યવસ્થાને મૂલવવાની જરૂર છે.
સેમિનારમાં ગુજરાતમાં ઈસ્લામિક બેન્કિંગ ચલાવતી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લઈ તેમના અનુભવોનું વર્ણન કર્યું હતું. જેમાં મોડાસામાં ધી સહુલત ઈન્ટરેસ્ટ ફ્રી ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી લિ.ના અબ્દુલ શેઠે જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી અમે અંજુમને ઈમદાદે બાહમીના નામે વગર વ્યાજે લોન આપવાનું કામ કરીએ છીએ. ત્યારબાદ ૩ મહિના પહેલા ધી સહુલત ઈન્ટરેસ્ટ ફ્રી ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિ. સામે સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં અમારી સંસ્થામાં કોઈપણ ડિફોલ્ટર થયું નથી અને અમને આનંદ થાય છે કે અમે ઘણા પરિવારોના દાગીના વેચાતા બચાવીને તેમને વ્યાજ રહિત લોન આપીએ છીએ. જમિઅતે ઈસ્લામિ હિન્દ ગુજરાત દ્વારા આયોજિત ઈસ્લામિક બેન્કિંગ વિષય ઉપર યોજાયેલી કોન્ફરન્સમાં જેઆઈએચ ગુજરાતના પ્રેસિડેન્ટ શકીલ એહમદ રાજપૂત, ઈકરામબેગ મિરઝા સહિત આમંત્રિત મહેમાનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.