
(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧૭
જૂનાગઢ પંથકમાં છેલ્લા આઠ દિવસથી સતત મેઘવર્ષા થઈ રહી છે. આજે મેઘરાજાએ માણાવદરનો વારો કાઢયો છે. આજે સવારના ૬.૦૦થી સાંજના ૬.૦૦ સુધી માણાવદર ખાતે સાંબેલાધારે ૧૧ ઈંચ વરસાદ ખાબકતા માણાવદર સહિત સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયો છે. અતિભારે વરસાદને કારણે માણાવદર નજીક આવેલા રસાલા અને બાંટવા-ખારો ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ભારે વરસાદને કારણે માણાવદર તાલુકામાંથીવહેતી નદીઓ બે કાંઠે વહી રહી છે. અને ઘેડ પંથકમાં રપ જેટલા ગામોનો સંપર્ક સંપૂર્ણ કપાઈ ગયો છે. ૪૦ જેટલા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. માણાવદર વિસ્તારમાંથી રરપ માણસોને રેસ્કયુ ઓપરેશન હેઠળ બચાવી લેવામાં આવે છે. અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઘેડ પંથકમાં પાણીથી ઘેરાઈ ગયેલા ગામોમાં બાલાગામ, આખોદર, બામણાસા, મઢડા, મુલીયાસા, પાંચાળા, સરોડ, સુત્રેજ, અંબાલ્યા, કોપલાણા, મીતીયાણા, પાદરડી, બગસરા ઘેડ, ભાથરોટ, ફુલરામા, ઘોડાદર, હીરપુર, લાંગડ, મેખડી, ઓસા ઘેડ, સામરડા, સાંઢા, સરમા, થલ્લી વગેરે ગામોનો સમાવેશ થાય છે. ઘેડ પંથકમાં મઢડા ગામની ૧ વ્યક્તિને આજે સર્પદંશ થતા તેને દોરડા વડે પાણીમાંથી બહાર લાવીને ૧૦૮ સુધી પહોંચાડવામાં આવેલ અને તાત્કાલીક સારવાર આપવામાં આવેલ હતી.
જૂનાગઢ જિલ્લામાં માણાવદર ઉપરાંત વરસાદના આકડા અંગે ફલ્ડ કંટ્રોલે આપેલી માહિતી મુજબ માણાવદર બાદ મેંદરડા અને વંથલી ખાતે સૌથી વધુ ૬ ઈંચ, કેશોદ પ ઈંચ, માંગરોળ ૪.પ ઈંચ, માલીયા ૪ ઈંચ, જૂનાગઢ ર.પ ઈંચ, ભેસાલી ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં આગામી ર૪ કલાક દરમ્યાન હજુપણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે.