(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલાં અમાનુષી અત્યાચાર તથા હત્યાકાંડને પગલે બર્માના મુસ્લિમોને ભારતીય સરકાર દ્વારા મદદ આપવામા આવે તેવી માગણી સાથે સમસ્ત મુસ્લિમ સમાજ, વડોદરાના નેજા હેઠળ મુસ્લિમ યુવા અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોના થઈ રહેલા હત્યાકાંડ તથા અત્યાચારોનાં પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બર્માના મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારોના પગલે વિશ્વમાં વસતા મુસ્લિમોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બર્માના નિઃસહાય રોહિંગ્યા મુસ્લિમોની મદદ માટે લોકમાગણી ઉઠવા પામી છે.
આજે સમસ્ત સમાજ, વડોદરાના નેજા હેઠળ મુસ્લિમ યુવા અગ્રણીઓ વસીમ શેખ, આદિલ પટેલ, મોઈન શેખ, મઝહર મલિકની આગેવાનીમાં મુસ્લિમ સમાજનો લોકો આજે કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં તેમજ કલેકટરને આવેદનપત્ર આપી ધર્મ નહિં પણ માનવતાને લીધે પણ બર્માના રોહિંગ્યા મુસ્લિમોની સહાય કરી તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને રહેવા માટે સ્થળ આપવા માગણી કરી હતી. કલેકટર કચેરી બહાર મુસ્લિમ સમાજના લોકો દ્વારા બેનર તથા પ્લેકાર્ડ સાથે બર્મામાં થઈ રહેલાં મુસ્લિમો પરના અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.