(સંવાદદાતા દ્વારા)
વઢવાણ, તા.૧૪
પશુ-પક્ષી કે માલ-મિલકતને વેચવાની વાત સામાન્ય છે પરંતુ શું કોઈ જનેતા તેના સંતાનને વેચવા કાઢે ખરી ! અરે ! પોતાના જણ્યાને પારકાના હાથોમાં સોંપતાં માતાનું કાળજું કપાતું હોય તો પછી રૂપિયા માટે સંતાન વેચનારી માતાની મજબૂરી કેવી હશે ? તે કલ્પના પણ હૈયાને હચમચાવી જાય છે. આવો જ કિસ્સો સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિના મૃત્યુ બાદ પત્નીએ કુટુંબના ભરણ-પોષણ માટે સંતાનો વેચવાનો આકરો નિર્ણય લીધો છે.
જેમાં વઢવાણ શહેરના એક મુસ્લિમ વિસ્તારમાં ઘાંચી યુવાન ટી.બી.ની બિમારીમાં સપડાયો હતો તેની સારવાર કારગત ન નિવડતાં યુવાનનું મોત નિપજેલ હતું. વઢવાણના રસીદભાઈ વારૈયા (નામ બદલેલ છે)ના લગ્ન હસીનાબાનુ (નામ બદલેલ છે) નામની ચોટીલા ગામની મહિલા સાથે થયા હતા. સમય જતાં સંસારીક જીવનના પરિપાકરૂપે ચાર પુત્રી અને બે પુત્રોનો જન્મ થયો હતો. હાલમાં આ બાળકોમાં ૧ર વર્ષથી લઈને સૌથી નાનો પુત્ર ત્રણ વર્ષનો છે. આ વારૈયા કુટુંબના મોભી પિતાનું માંદગી બાદ અવસાન થતાં માતા હસીના બહારના કામકાજ કરી ને મળે તેટલું બાળકોનું ભરણ-પોષણ કરી રહી છે. યુવાન વયે વિધવા બન્યા બાદમાં છ સંતાનો એમાં પણ ચાર-ચાર પુત્રીઓ અને બે પુત્રો હજુ તો રમવા ખેલવાની જેની ઉંમર છે તેઓના માથેથી પિતાનું શિરછત્ર છિનવાઈ ગયું છે. જિંદગીની શરૂઆત જ જિંદગી દોજખ બની રહી છે.
આ નાના-નાના ભૂલકાઓની ભણવાની ઉમરમાં દિની તાલીમ પણ અપાતી નથી. શાળામાં પણ નથી ગયા ત્યારે આવા બાળકો માથે તો હવે ઉપર આભ અને નીચે ધરતી સમાન પરિસ્થિતિ છે !
પિતાનું અવસાન થયા તેને અંદાજે પાંચથી છ માસનો સમય ગાળો થતાં જ બાળકોના પાલન-પોષણનો સવાલ ઉદ્ભવ્યો. સમય જતાં બાળાઓ મોટી થવાની છે તેને સમાજમાં રાખવી, સાચવવી અને પાલન પોષણ કરવું નિરાધાર વિધવા મહિલા માટે અશક્ય સાબિત થતુ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. આ જ વિસ્તારમાં રહેતા એક સુખી અને ધાર્મિક વૃત્તિના મહિલાએ જણાવ્યું કે સંતાનો નિસંતાન લોકોને નાણાં લઈને દત્તક દઈ દેવાના છે ! ત્યારે માતાને પતિ જતાં બાળકોના ભરણ પોષણનો સવાલ ઉદ્ભવતાં બાળકો વેચવા કાઢ્યા હોવાની ચર્ચા ચાલેલ છે ?