બે મંદિરો પર બુલડોઝર ફરી વળતાં હિંદુ સંગઠનોમાં રોષ

ભાવનગર,તા.૪
ભાવનગર શહેરના શિવાજી સર્કલથી અકવાડા સુધી સીક્સલેઈન રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડ ઉપર આવેલા મંદિરો ઉપર ગઈકાલે મોડી રાત્રે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે ડિમોલેશન કરી બંન્ને મંદિર તોડી પાડતા ભાવિકોમાં રોષ વ્યાપી ગયો હતો. શહેરના ઘોઘા રોડ અને પટ્ટણી પ્લાઝાની સામે આવેલા દેવસ્થાનો ઉપર તંત્ર બુલડોઝર ફેરવ્યું હતું. આ અંગે એસ્ટેટ ઓફિસરે જણાવ્યું હતું કે રોડના વિકાસના કામમાં ગેરકાયદેસર મંદિરો નડતરરૂપ હોય. અનેકવારની વિનવણી હોવા છતા સહયોગ નહીં મળતા બુલડોઝર ફેરવવાની ફરજ પડી છે. મેયરની હાજરીમાં ભાવિકો સાથે બે મીટિંગ કરી સમજાવવામાં આવ્યા હોવા છતાં કોઈ સુખદ ઉકેલ નહીં આવતા તંત્રએ નાછુટકે અંતિમ પગલુ ભરવાની ફરજ પડી છે.
શહેરના બે મંદિરો ઉપર બુલડોઝર ફેરવવામાં આવતા ધાર્મિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે બુધવારે સવારે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ રોષ વ્યક્ત કરી ચક્કાજામ કર્યો હતો. જ્યારે વી.એચ.પી. અને રથયાત્રા મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા આજે ભાવનગરના મેયરને રૂબરૂ મળી રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત આવતીકાલે ગુરૂવારે સાંજે પ કલાકે વીહીંપ અને રથયાત્રા મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે શહેરના ઘોઘા રોડ ઉપર યોગી કોમ્પ્લેક્ષ પાસે ગેરકાયદેસર જગ્યામાં મંદિર બનાવી તેમાં મૂર્તિ સ્થાપિત કરાઈ હતી. લોક વિરોધના કારણે આ મંદિર દિવસે હટાવવાનું મુલ્તવી રાખી તંત્ર દ્વારા ગતમોડી રાત્રે લગભગ રથી ૩ વાગ્યાના સુમારે મ્યુ.ની એસ્ટેટ વિભાગે બુલડોઝર સાથે ઘસી જઈ દબાણ હટાવ કાર્યવાહી પાર પાડી હતી. ઉપરાંત મ્યુનિ. તંત્રએ શહેરના નિલમબાગ પાસે દેવુબાગમાં પટ્ટણી પ્લાઝા સામે, ફોરલેન રોડમાં અવરોધરૂપ બનેલ એકદેરી પણ તોડી પાડી હતી. જેમાં મૂર્તિને સન્માનભેર સલામતીથી કાઢી લેવામાં આવી હતી. તેમ જાણવા મળી રહ્યું છે. ખોટો વિરોધ ન થાય અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે રાત્રીના સુમારે આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ તંત્ર દ્વારા ખુલાસો કરાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks