(એજન્સી) તા.૩૧
કોમી એકતાનું વહન કરવાના ઉદ્દેશ્ય સાથે મુસ્લિમોના એક સમૂહે હિન્દુઓના મંદિરમાં સાઉન્ડ સિસ્ટમ ભેટમાં આપી છે. તમને જણાવી દઈએ કે અમુક દિવસો અગાઉ આ મંદિરમાંથી સાઉન્ડ સિસ્ટમ ચોરાઇ ગઇ હતી. સ્થાનિક મુસ્લિમ તહેવાર કમિટી તરફથી રવિવારે ઇન્દોર રોડ પર આવેલા અભયદાતા હનુમાન મંદિરમાં સાઉન્ડ સિસ્ટમ દાનમાં આપવામાં આવી હતી. હનુમાન મંદિરના પૂજારી દીપક ઉપરિતે કહ્યું કે લગભગ પાંચેક દિવસ અગાઉ ચોરો મંદિરમાં ધસી આવ્યા હતા અને સાઉન્ડ સિસ્ટમ ચોરી ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. કેટલાક મુસ્લિમ ભાઇઓએ રવિવારે આ નવી સાઉન્ડ સિસ્ટમ ભેટમાં આપી હતી. હું મંદિરની સમિતિ તરફથી તેમનો આભાર વ્યક્ત કરું છું. આ ચોરીની ઘટનામાં મંદિરની દાનપેટી પણ ચોરાઇ ગઇ હતી. પરંતુ પોલીસે સફળતાપૂર્વક તે પાછી મેળવી લીધી છે. જોકે કમિટીના પ્રેસિડેન્ટ શાહીદ ખાને નોંધ લીધી હતી કે મંદિરમાંથી સાઉન્ડનો અવાજ અમુક દિવસોથી આવતો ન હતો એટલે તે મંદિરની મુલાકાતે આવ્યા તો જાણ્યું કે સિસ્ટમ ચોરાઇ ગઇ છે. શાહીદે કહ્યું કે મેં ઘણા દિવસોથી મંદિરનો અવાજ સાંભળ્યો જ નહીં. હું અહીં આવ્યો તો જાણ થઇ કે સાઉન્ડ સિસ્ટમ ચોરાઇ ગઇ છે અને પછી વિચાર્યું કે કેમ ન નવી લાવી દેવાય. મેં કમિટી સાથે જઈને નવી સાઉન્ડ સિસ્ટમ ખરીદી અને મંદિરને ભેટમાં આપી. લઘુમતી સમુદાય તરફથી આવો પ્રેમ પ્રતિસાદ મળતાં હિન્દુ લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. હનુમાન ટેમ્પલ સમિતિના સભ્ય મનોજ પટેલે કહ્યું કે અમે નવી સાઉન્ડ સિસ્ટમ ખરીદવાનો નિર્ણય કર્યો હતો પરંતુ મુસ્લિમ તહેવાર સમિતિ દ્વારા અમને નવી સાઉન્ડ સિસ્ટમ દાનમાં અપાતા અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. હરદા પોલીસ સ્ટેશનમાં મંદિરમાં ચોરી થવા અંગે ચાર દિવસ અગાઉ ફરિયાદ નોંધાવી દેવાઇ છે.