(એજન્સી) મુંબઈ, તા.૧૭
શિવસેના પોતાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતને નાટકીયરૂપ આપવા જઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે સરયૂ નદીના કિનારે ર૪મી નવેમ્બરે આરતી કરશે અને એ જ દિવસે સેનાના અન્ય નેતાઓ અયોધ્યાના અન્ય રામ અને હનુમાનના મંદિરોમાં આરતીનો કાર્યક્રમ ગોઠવશે. પક્ષે જિલ્લા અને ક્ષેત્રીય એકમોના અધ્યક્ષોને આ કાર્યક્રમોમાં હાજર રહેવા જણાવ્યું છે. સેનાના એક નેતાએ જણાવ્યું કે, ઉદ્ધવની આરતીની સાથે જ અયોધ્યાના અન્ય મંદિરોમાં શિવસેનાના કાર્યકરો આરતી કરશે. ઉદ્ધવ સાંજે પ.૧પ વાગે આરતી કરશે જે ૪૦ મિનિટ સુધી ચાલશે. આ મહાઆરતી છે જે શિવસેના ૧૯૯૦ના વર્ષમાં સંવેદનશીલ વિસ્તારોમાં કરતી હતી. એ લોકોને બતાવવા માંગે છે કે ફક્ત અમારો જ પક્ષ હિન્દુત્વને વળગી રહેલ છે. અમે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ગંભીર છીએ. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત કરે એ શક્યતા ઓછી છે. જો કે પક્ષના વરિષ્ઠ નેતા સંજય રાઉત યોગી સાથે મળી ચૂક્યા છે. આરતી પછી ઉદ્ધવ રામજન્મભૂમિ સ્થળની મુલાકાત પણ લેશે, એ ત્યાંના સ્થાનિકો અને પૂજારીઓને પણ સંબોધન કરશે. એમની સાથે મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો, ધારાસભ્યો અને સાંસદો જોડાશે. શહેરના ડબ્બાવાળાઓ પણ ઉદ્ધવ સાથે અયોધ્યા જશે. શિવસેનાનું માનવું છે કે આ પ્રકારના કાર્યક્રમો યોજવાથી એ ભાજપની ઉપર રહેશે. પણ રાજકીય પંડિતો કહે છે કે ઉદ્ધવનો આ પ્રયાસ એના મરાઠી મતદારોને આકર્ષિત કરશે નહીં. સાધારણ મહારાષ્ટ્રીયન અથવા અન્ય લોકોને રામમંદિર બનાવવામાં જરાય રસ નથી. સેના ૧૯૯૦ની ફિલ્મને પુનઃપ્રદર્શિત કરી રહી છે. જેની સફળતાની શક્યતા ખૂબ જ ઓછી છે. શિવસેના ફક્ત ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરવા પ્રયાસો કરી રહી છે.