માંડવી,તા.૬
માંડવી શહેરમાં ચાકી સમાજના યુવાનનાં ખૂનની ન્યાયિક તપાસ કરવાની માગણી સાથે કચ્છ સુન્ની મુ.હિતરક્ષક સમિતિએ રજૂઆત કરી છે.
તેમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમ જે.હાલેપોત્રા, અખિલ કચ્છ ચાકી સમાજના પ્રમુખ આદમભાઈ ચાકી, તેમજ માંડવી શહેર પ્રમુખ જુણેજા ઈબ્રાહીમભાઈ, સૈયદ આલમશા, સાજીદભાઈ માણેક, તેમજ માંડવી શહેરનાં વિવિધ આગેવાનોએ માંડવી શહેર પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી. જેમાં મુસ્લિમ સમાજના નવયુવાનનું ખુન એક કાવતરારૂપે થયેલ છે. તેને ખોટી રીતે પ્રેમ પ્રકરણમાં જોડવામાં આવે છે. ખરેખર તટસ્થ તપાસ થાય તો એક દારૂનાં ધંધાર્થીઓનો આપસી ઝઘડો છે. જેમાં આ નવયુવાનનો ભોગ લેવાયો છે. ડી.વાય.એસ.પી શ્રી. પટેલને રૂબરૂ રજૂઆત કરેલ છે. કે, માંડવી તાલુકામાં તેમજ શહેરમાં દારૂનો ધંધો ફુલ્યોફાલ્યો છે. જે વહેલી તકે બંધ કરાવવા માગણી કરી છે.
જો વહેલી તકે દારૂના અડ્ડાઓ બંધ ન થાય તો મુસ્લિમ સમાજ જનતા રેડ રૂપી દારૂના અડ્ડાઓ બંધ કરવાની કોશિશ કરશે. જ્યારે આ ખુન પ્રકરણની તટસ્થ તપાસ થાય તેવી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ, અખિલ કચ્છ ચાકી સમાજના પ્રમુખ તેમજ મુસ્લિમ અગ્રણીઓએ ધારદાર રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં મોહશીન હિંગોરજા સંધી સમાજના પ્રમુખ હાજી અબ્દુલભાઈ ઓઢેજા, અલીમામદભાઈ રોહા, અબ્દુલભાઈ રાયમા તથા મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.