(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૭
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજયસભાની ચૂંટણીના ઉમેદવાર અહમદ પટેલ અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સાંજે પાંચ વાગ્યે નિજાનંદ રિસોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રિસોર્ટની બહાર અહમદ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેઓને પોતાના તમામ ધારાસભ્યોમાં વિશ્વાસ છે અને પરિણામ સારૂં આવશે.
તેઓએ જણાવ્યું હતું કે, એનસીપીના બે ધારાસભ્યો અને જનતાદળના એક ધારાસભ્ય પણ કોંગ્રેસને મત આપનારા છે જ્યારે શંકરસિંહ વાઘેલાએ પણ તેઓને મત આપવાનું વચન આપ્યું છે અને તેઓને શંકરસિંહના વચન પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે જે ધારાસભ્યો બેંગલુરૂ ન હોતા આવ્યા તે ધારાસભ્યો પણ કોંગ્રેસને જ મત આપશે તેવો વિશ્વાસ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ધારાસભ્યોને તોડવા માટે ભાજપ દ્વારા ધારાસભ્યો અને તેમના પરિવારજનો પર જે રીતે દબાણ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેના ત્રાસથી બચવા માટે બેંગલુરૂ ગયા હતા. સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર જીવલેણ હુમલો થાય તે શું દર્શાવે છે જ્યારે રાષ્ટ્રીય નેતા પર હુમલો થઈ શકતો હોય તો પછી ધારાસભ્યોની સુરક્ષા કેટલી ? આ ચૂંટણી અહમદ પટેલ અને અમિત શાહ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે ? તે અંગે અહમદ પટેલે જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠાનો કોઈ પ્રશ્ન નથી કેમ કે, હું પક્ષનો પ્રતિનિધિ છું અને પક્ષ માટે ચૂંટણી લડી રહ્યો છે,પરંતુ એ અલગ વાત છે કે ભાજપ આ ચૂંટણીને તે રીતે લઈ રહી છે, તેમણે કહ્યું હતું કે, તેઓને સૌથી સારા મત મળશે અને સારા પરિણામ સાથે વિજય થશે, મને અમારા ધારાસભ્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું તેઓને સલામ કરૂં છું. કોંગ્રેસના એક કોંગી અગ્રણીએ જણાવ્યું હતું કે રાજ્યના દૂર દૂરના વિસ્તારમાંથી ધારાસભ્યો આવતા હોઈ તેમજ બેંગલુરૂથી પરત ફર્યા બાદ મંગળવારે રાજયસભાની ચૂંંટણી હોઈ તેઓને દોડાદોડી કરવી પડે નહીં તે માટે જે રીતે બેંગલુરૂના રિસોર્ટમાં ધારાસભ્યો સાથે રહ્યા તે રીતે એક દિવસ વધારે સાથે રહેવાનું તેમજ લોકતંત્રની ઉજવણી કરવાનું તમામ ધારાસભ્યોએ સામૂહિક રીતે અંગત નિર્ણય લીધો હતો અને તેના કારણે તમામ ધારાસભ્યોને નિજાનંદ રિસોર્ટ ખાતે સાથે રાખવામાં આવ્યા છે.