(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.૧૫
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શુક્રવારે આન બાન અને શાનથી રમઝાન ઇદ (ઈદુલ ફીત્ર)ની ઉજવણી કરવામાં આવી હતી. પંથકમાં તમામ જગ્યાએ રમઝાનની ૩૦મી તરાવીહની નમાઝ પણ અદા કરી લેવામાં આવી હતી. પરંતુ તરાવીહ બાદ ફરી ગુજરાતના કેટલાક શહેરોમાંથી ચાંદ દેખાયો હોવાના સમાચારો મળવા લાગતા તેમજ માંગરોળથી પણ કેટલાક લોકોએ ચાંદ જોયો હોવાની ગવાહી મળતા માંગરોળ ચાંદ કમીટી એ ફરી રાત્રે ૧૧ વાગ્યે બીજી મીટીંગ બોલાવી પડી હતી. જેમાં શહેરના મુફતીઓ, મૌલવીઓ અને દરેક મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનો પણ જોડાયા હતા. ચાંદ કમીટી દ્વારા માંગરોળ માથી ચાંદ જોનારા ગવાહોની વિશેષ રીતથી કડક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તમામ ગવાહો ખરા સાબિત થયા હતા. તદ્ઉપરાંત ગુજરાતના ભરૂચ, કંથારિયા, હાંસોટ, ડાભેલ, શીખપૂર પાટણ, મહુવા સહિત ઘણા શહેરોમાં પણ ચાંદ જાહેર થઈ ગયો હોવાના આધારે માગરોળમા પણ ચાંદ કમીટી એ રાત્રે ૧૧ઃ૪૫ ઈદનો ચાંદ જાહેર કર્યો હતો.
ઈદનો ચાંદ જાહેર થતાં શહેરમાં અનેરી ખૂશીનો માહોલ સર્જાયો હતો. માગરોળની શાહી જામા મસ્જિદ, ઇદગાહ, મદ્રેસા દારૂલ ઉલુમ હસનિયાહ, મદ્રેસા કાશીફૂલ ઉલુમ, મદ્રેસા હનફીયાહ, મસ્જિદે દારે અરકમ સહિત અનેક જગ્યાએ ઇદ ની નમાઝ અદા કરવામા આવી હતી.આ વખતે વાહીદશાહ કબ્રસ્તાનના ઇદગાહ પર રેકોર્ડબ્રેક હજારોની તાદાદમા લોકો એ ઇદની નમાઝ અદા કરવા જતા ઈદગાહની વિશાળ જગ્યા પણ ટુકી પડી હતી. ઇદગાહની પણ જગ્યા ભરચક થઇ જતા કબ્રસ્તાનમા કબરોની વચ્ચે પણ લોકોને નમાઝ પઢવાની ફરજ પડી હતી. શહેરમાં સુવ્યવસ્થા જાળવી રાખવા માંગરોળ પોલીસ ખડેપગે રહી હતી.બીજી બાજુ માંગરોળની સુન્ની જમાતે ચાંદ કમીટીનો નિર્ણય ગ્રાહ્ય ન રાખતા સુન્ની મુસ્લિમો શનિવારે ઈદ મનાવશે.