માંગરોળ, તા.૧
માંગરોળ ખાતે આજે સાંજના ૪.૩૦ કલાકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી સભા સંબોધવા આવી પહોંચ્યા હતા. સભા સંબોધતા અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાના સપના જૂએ છે ત્યારે આજે યુ.પી.માં તેમના સુપડાસાફ થઈ ગયા છે. તેમણે ગુજરાતને ભાજપનું ગઢ ગણાવતા જણાવેલ કે, આજે યુ.પી.ના લોકોએ પણ બતાવી દીધું કે કોંગ્રેસ જાય છે.
તેમણે મનમોહનસિંહને પણ આડે હાથ લેતાં જણાવેલ કે, અટલજીની સરકારે જીડીપી ૮.૮% કરીને આપી હતી તેને અર્થશાસ્ત્રી મનમોહનસિંહે ૪.૪ કરી નાંખી હતી. ફરી આજે અમારા ચા વાળા મોદી સાહેબે તેને વધારીને ૭ % કરી છે.આખા દેશના કોંગ્રેસીઓ ગુજરાતમાં સરકાર બનાવવાના સપના સાથે આટા મારે છે તો તેમને પૂછો કે તમારો ચૂંટણી લડવાનો મુદ્દો શું છે ? અમેઠીમાં ૫૦ વર્ષથી ગાંધી પરિવાર ચૂંટાઈ આવે છે ત્યાં કલેકટર ઓફિસ પણ નથી. અમેઠીના સેકડો ગામોમાં આજેપણ લાઈટના દોરડા સુધ્ધાં પહોંચ્યા નથી. જે પોતાને ત્યાં વિકાસ કરી ન શક્યા તેઓ અહીં શું કરવાના ! તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતના બેરોજગારની વાત કરે છે. જ્યારે અમેઠીના ૧૩૬૭૨ બેરોજગારો ગુજરાતમાં રોજગારી માટે આવ્યા છે. મનમોહનસિંહ અને કોંગ્રેસ સરકારે ૧૦ વર્ષમાં ૧૨ લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થા સુધારવાનું કામ કર્યું છે. ભાજપની સરકાર પહેલાં પોરબંદરમાં બોર્ડ લાગતાં હતા કે, અહીંથી પોરબંદરની હદ શરૂ થાય છે ને કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે. આજે ગુજરાતમાં ૨૦ વર્ષની દીકરી અર્ધી રાત્રે રસ્તા પર નિકળી શકે છે.