માંગરોળ, તા.૩૦
માંગરોળના બંદર વિસ્તારમાં ગત મોડીરાત્રે એક આધેડ મુસ્લિમ શખ્સને અજાણ્યા શખ્સો દ્વારા ઢોરમાર મારતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે, ઉના (વસીમપૂરા)ના રહેવાશી રમઝાન અલી મનસૂરી (ઉ.વ.આ.૫૦) માંગરોળના બારા રોડ પર એક મચ્છીના દંગામા મજૂરી કામ કરે છે. જે ગતરાત્રે બંદર પર આવેલ હઝરત બાવનશાહ પીરની દરગાહ પર ઉર્સમાં ગયા હતા જ્યાંથી રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ દરગાહથી પરત ફરી રહ્યા હતા ત્યારે રિંગ બંગલા નજીક રસ્તામાં અચાનક ત્રણથી ચાર બાઈક સવારો હાથમાં ફટકાઓ સાથે આવી ચડેલ. એકલતા અને અંધારાનો લાભ લઈ રમઝાનભાઈ પર તૂટી પડેલ અને તેમને મનફાવે તેમ લાકડાંના ફટકાઓથી માથામાં, હાથ પગમાં અને પીઠના ભાગે ઢોરમાર મારતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. રમઝાનભાઈએ તેમના ખિસ્સા રહેલા ૫૦૦ રૂપિયા પણ આપી દઈ જાન બકસવાની આજીજી કરી હતી. લોહી લુહાણ હાલતમાં લથડિયો ખાતા રમઝાનભાઈ કાટવીના વડલા પાસે પહોંચતાં લોકો એકત્ર થઇ ગયા હતા જ્યાંથી તેમને ૧૦૮ દ્વારા સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. આ બનાવની જાણ થતાં મુસ્લિમ સમાજના મો. હુસેન ઝાલા, હનીફ પટેલ, સુલેમાન મધ્યા, દાઉદ ચુડલી, ઈબ્રાહીમ બખાઈ સહિતના આગેવાનો સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. આગેવાનોએ સાથે રહી મરીન પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. રમઝાનભાઈને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે જ્યાં આ ગામના મજૂરની સેવામાં માનવ સેવા સંગઠનના ઈરફાનભાઈ, હુઝૈફાભાઈ અને આબેદીનભાઈ સાથે રહ્યા છે. મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફ પટેલે આરોપીઓને પકડવા માંગ કરી છે. માંગરોળ મરીન પોલીસ પીએસઆઇ એન.જી.પરમારે રમઝાન અલીની ફરિયાદના આધારે ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.