(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૨
માંગરોળ પીજીવીસીએલની ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી વિસ્તારમાં સને-૨૦૧૩-૧૬ના ગાળામાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા જુદા જુદા પ્રોજેક્ટો અને સ્કીમોના નામે વીજ સ્ટોરમાંથી કરોડો રૂપિયાની કિંમતનું વીજ મટિરીયલ્સ ઉપાડી કામ કર્યા વિના બારોબાર વેચી મારી આચરેલ કૌભાંડ સંબંધે માંગરોળના એક્ટિવિસ્ટ હમિરભાઈ ધામાએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન, ચીફ વિજિલન્સ ઓફિસર, તકેદારી આયોગ, એસીબી, મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, ઉર્જા સચિવ, રાજ્યપાલ સહિતનાઓને પત્ર પાઠવી કાર્યવાહી કરવા માંગ કરેલ છે. પત્રમાં જણાવ્યા મુજબ ૨૦૦૮-૦૯માં નવા ઊભા કરાયેલ ૧૧ કેવી ગ્રામજ્યોતિ મકતમપુર વીજ ફીડરની વીજલાઈન નવી હોવા છતાં આ ફીડરમાં રાજ્ય અને કેન્દ્ર એસઆઈ અને એસકેએલ પ્લાનિંગ ફાયના ૨૦૧૫-૧૬ પાર્ટ-૧ તથા ર કોસ્ટલ એરિયા ડેવલપમેન્ટ જીઓજી સ્કીમ નીચે અને ૨૦૧૩થી ૨૦૧૬ના વર્ષ દરમિયાન પ્રોજેક્ટોનો ૩૧ કિ.મી. લંબાઈનો ૧૧ કેવી ઓલ એલ્યુમિનિયમ રેબિટ અને એલોય વીજ કંડક્ટર, ૨૯.૫ કિ.મી. ૧૧ કેવી એબીસી કેબલ તથા ફરીથી ૩૧પ૦ મીટર (૬ ડ્રમ) ૧૧ કેવી એબીસી કેબલ, ૨૧૦ કિલો જીઆઈ વાયર, ૮૦ કિલો નટ-બોલ્ટ સહિત ૧૫થી વધુ આઈટમોવાળા મટીરિયલ્સનો મોટો જથ્થો મેન્ટેનન્સ માટે ડિવિઝન સ્ટોરમાંથી ઉપાડી કામ કર્યા વિના વેચી મારવામાં આવેલ હોવાનું અને આ નવા જથ્થાની સામે જૂની લાઈનનો નીકળેલો માલ પણ સ્ટોરમાં જમા કરાવેલ ન હોય અને આ પેટે કોન્ટ્રાક્ટરોએ બિલ પણ મૂકેલ ન હોવાની હકીકતનો પણ પત્રમાં ભાંડાફોડ કરાયેલ છે. આ પ્રકરણે કોન્ટ્રાક્ટર સ્થાનિક કક્ષાએથી આપવાના બદલે પોરબંદર વીજ સર્કલના અધિક્ષક નિમાવતે કોઈ પણ જાતની ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વિના બેઠે થાળે દસ-દસ લાખના આ ફીડરના મેન્ટેનન્સના બે કામો પોરબંદરના જે.એ.કુમાર એસો.નામની એજન્સીને આપેલ હતા. તેમણે આ બંને કોન્ટ્રાક્ટના કામો માંગરોળના કોન્ટ્રાક્ટરોને પેટામાં આપી દીધેલ હતા. જે પ્રોજેક્ટમાં પણ મોટા જથ્થામાં માલ ઉપાડી વેચી નખાયેલ હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રૂરલ કચેરી નીચેના શીલ વિલેજ પ્રોજેક્ટના ૧૩ ડ્રમ એલટી એસીબી વાયર, ૨૩૧.૫ કિલો જી.આઈ.વાયર, ૧૪૪ એમ.એસ.એંગલ, ૧૫ કિલો નટબોલ્ટ સહિત ૧૨ જેટલી આઈટમોના મટિરીયલ્સનો જથ્થો મેન્ટેનન્સ માટે ડિવિઝન સ્ટોરમાંથી કોન્ટ્રાક્ટરને ઈસ્યુ કરવી કામ કર્યા વિના વેચી નખાયેલ હોવાનું અને જૂનો ભંગાર પણ સ્ટોરમાં જમા કરાયેલ ન હોવાનું જણાવાયું છે. આ જ રીતે ગ્રામ્ય કચેરી વિસ્તારના ૧૧ કેવી ફરંગટા ફીડર પ્રોજેેક્ટના ૬ કિ.મી. લંબાઈનો ૧૧ કેવી ઓલ એલ્યુમિનિયમ એલોય કંડક્ટર સહિત ચાર આઈટમો સાથેનું મટીરિયલ્સ ડિપાર્ટમેન્ટલી રીતે વીજ સ્ટોરમાંથી મોટા જથ્થામાં ઉપાડી અને કામ કર્યા વિના તથા નવા માલની સામે નીકળેલ જૂનો ભંગાર સ્ટોરમાં જમા કરાવ્યા વિના માલ બારોબાર વેચી નાખવાનું પત્રમાં ખુલ્લુ પડાયું છે. ઉપરાંત ગ્રામ્ય કચેરી વિસ્તારના દાતાર મંઝીલ ૧૧ કેવી ફીડર નીચેના સુલતાનપુર ગામે આવેલ વસા રામાવાળા ટીસીના એજી ગ્રુપ માટે પ્રોજેક્ટની અગિયાર આઈટમોનો જથ્થો એક જ દિવસે એક જ કોન્ટ્રાક્ટરે એક જ અધિકારીની સૂચનાથી મેન્ટેનન્સ માટે ઉપાડી કામ કર્યા વિના બારોબાર વેચી મારી તેમજ ભરખાવાળા ટીસીના એજી ગ્રુપ માટે એલ્યુમિનિયમ વીજ વાયર, ૨૮.૫ કિલો જીઆઈ વાયર સહિત ૧૪ આઈટમોનો જથ્થો સહિતની આઈટમોનો જથ્થો કોન્ટ્રાક્ટર દ્વારા સ્ટોરમાંથી ઉપાડાયો છે. આ બંને પ્રોજેક્ટમાં કોઈ કામ કરાયું ન હોય અને મેન્ટેનન્સથી નીકળેલ જૂનો માલ પણ સ્ટોરમાં પરત જમા થયેલ ન હોય તેમ જણાવી પ્રોજેક્ટમાં કોઈ કામ કરાયું ન હોય માટે હમીરભાઈ ધામાએ પોતાના પત્રમાં માંગ ઉઠાવી છે. આ ઉપરાંત ૨૦૧૩-૧૪ના સમયગાળા દરમિયાન ગ્રામ્ય કચેરી વિસ્તારના સુલતાનપુર ગ્રામ જ્યોતિ ફીડરમાં પણ આ રીતનું મસમોટું કૌભાંડ થયેલ હોવાનું જાણવા મળેલ છે.