(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૧૩
માંગરોળથી ઝંખવાવ જતાં રાજ્ય ધોરીમાર્ગ ઉપર ગડકાછ ગામ નજીક આવેલા વળાંકમાં એક હાયવાચાલકે ટેમ્પાને ટક્કર મારતાં ટેમ્પામાં બેઠેલા પાંચમાંથી ચારના મોત નિપજ્યા છે. જ્યારે એક સારવાર હેઠળ દાખલ કરાયો છે.
આ સંદર્ભે માંગરોળ પોલીસ મથકે મોસાલીના સાજીદ જિ.શેખે દાખલ કરેલી એફઆઈઆરમાં જણાવ્યું છે કે મોસાલીમાં હનીફ ઈબ્રાહીમ કુરેશી (ઉ.વ.૪૮) વિષ્ણુ બાબુ વસાવા (ઉ.વ.ર૯) અરવિંદ બલ્લુ વસાવા (ઉ.વ.૪પ) સંતોષ ભરત વસાવા (રર વર્ષ) મુકેશ નટવર વસાવા (ઉ.વ.૩૦) ટેમ્પા નંબર જી.જે.૧૬ ઝેડ-૭૦૬૦ લઈને ઝંખવાવ તરફ આજે તા.૧૩ના બપોરે એકાદ વાગ્યાની આસપાસ જઈ રહ્યા હતા ત્યારે ગડકાછ ગામ નજીક આવેલ વળાંક ઉપર વાંકલથી મોસાલી ચાર રસ્તા તરફ આવતી હાયવા ટ્રક નંબર જી.જે.૧૯ એકસ-૪૪૦૦ના ચાલકે ગફલતભરી રીતે ટ્રક હંકારી રોગસાઈડ આવી જઈ ટેમ્પાને ટક્કર મારતા ઉપરોકત પાંચે પાંચને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ પાંચે પાંચને માંગરોળની સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં ઉપરોકત પાંચમાંથી માત્ર મુકેશ નટવર વસાવાને સારવાર અર્થે આગળ લઈ જવાયો છે બાકીના ચારના મરણ થયા છે મરણ પામનાર હનીફ કુરેશી – વિષ્ણુ વસાવા અરવિંદ વસાવા – સંતોષ વસાવા આ તમામ મોસાલીના વતની છે. હાયવા ચાલક હાયવા ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો છે. આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરાતા પી.એસ.આઈ. એસ.એલ.વસાવા પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.