
(સંવાદદાતા દ્વારા)
માળિયામિંયાણા, તા.૧
મચ્છુ પૂર હોનારતના ૧ર-૧ર દિવસ બાદ પણ માળિયામિંયાણાની પ્રજાના હાલ બેહાલ બન્યા છે. જેની તંત્ર દ્વારા કોઈ દરકાર લેવાતી ન હોવાની લોક ફરિયાદો ઊઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે મચ્છુ ડેમમાંથી બે-બે વખત પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. જે ૧૯૮૯ના મચ્છુ પૂર હોનારતના પાણી કરતા પણ વધારે પ્રમાણમાં અને ભયાવહ હતું. જેની સૌથી વધારે અસર માળિયા મિંયાણાને થઈ હતી. પૂરના પાણી માળિયા મિંયાણા શહેરમાં ઘૂસી ગયા હતા. જેથી શહેરના નીચાણવાળા વિસ્તારો અને વાંઢ વિસ્તારોના લોકોના ઘરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા હતા.
આ પૂરના પાણીએ ભયાનક તબાહી મચાવી હતી. અસંખ્ય લોકોની ઘરવખરી, પાલતુ જાનવર, ખેતીના સાધનો, પૂરના પાણીમાં તણાઈ ગયા હતા. તો લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાથી દુકાનદારોને પણ મોટી નુકસાની વેઠવી પડી છે. અનાજ પાણીમાં તણાઈ ગયું છે. અને હજારો એકર જમીનનું ધોવાણ થયું છે.સરકારી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને હજુ સુધી કેશડોલ પણ પૂરતા પ્રમાણમાં ચૂકવાઈ નથી. તો અન્ય નુકસાનીનું સર્વે પણ કરવામાં આવ્યું નથી અને ખેતીમાં થયેલ નુકસાની વિગતો કોઈ જોવા પણ ગયું નથી. જે પશુપાલકોના જાનવર પૂરના પાણીમાં તણાઈ ગયા છે. તેમને મૃત પશુઓના શબ હોય તો જ તેની નુકસાની પશુપાલકને મળી શકે તેવું સરકારી તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જે પશુઓ પૂરના પાણીમાં તણાઈને દરિયામાં જતા રહ્યા હોય તે પશુઓના શબ પશુપાલક ક્યાંથી લાવી શકે ? આ તો અસરગ્રસ્ત પશુપાલકો સાથે એક પ્રકારની મજાક જ કરી કહેવાયને !
નીચાણવાળા વિસ્તારોમાં હજુ સુધી પૂરના પાણી ભરાયેલા છે. જ્યાં જુઓ ત્યાં કાદવ અને કીચડ છે. તંત્ર દ્વારા સ્વચ્છતા કે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. કાદવ-કીચડની દુર્ગંધથી લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ૧ર-૧ર દિવસ પછી પણ લોકો દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે.
શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી પણ મળતું નથી. લોકો ખાડા ખાબોચિયામાંથી દૂષિત પાણી લાવીને પીવે છે. જેથી કોલેરા જેવા ભયંકર રોગચાળો ફેલાઈ જવાની દહેશત ફેલાઈ ગઈ છે. આમ માળિયા મિંયાણાની પ્રજાને સરકારી તંત્ર દ્વારા ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો હોય છે. તેવું લોકોને પ્રતિત થાય છે. હવે તો અસરગ્રસ્ત લોકોની ધીરજ પણ ખૂટી છે અને હજુ જો તંત્ર ધ્યાન નહીં આપે તો શહેરની પ્રજા દ્વારા ગમે ત્યારે જલદ આંદોલનો અને ચક્કાજામ થઈ શકે છે. તેવું અસરગ્રસ્ત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે માટે સરકારી તંત્ર ધ્યાન આપે અને અસરગ્રસ્ત લોકોને ન્યાય મળે તેવી લાગણી અને માગણી ઊઠી છે.