નવી દિલ્હી, તા. ૨૨
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિરૂદ્ધ પીએમ નરેન્દ્ર મોદીની ટિપ્પણી મામલે રાજ્યસભાના શિયાળુ સત્રની શરૂઆતથી જ ઘર્ષણ ચાલુ છે જે અઠવાડિયાના છેલ્લા દિવસ સુધી યથાવત જળવાઇ રહ્યું હતું અને અંતે સદનની બેઠક શરૂ થવાની થોડી મિનિટો બાદ જ બેઠકને ૨૭મી ડિસેમ્બર સુધી મુલતવી રાખી દેવાઇ હતી.
સદનની કાર્યવાહી શરૂ થવાની થોડી મિનિટો બાદ જ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદે વડાપ્રધાનની ટિપ્પણી મામલે ઘર્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આઝાદે જણાવ્યું હતું કે, ઘર્ષણને દૂર કરવા માટે બનેલી સમિતીની અત્યારસુધી ફક્ત એક જ બેઠક થઇ છે. શુક્રવારે અઠવાડિયાનો આખરી દિવસ હતો અને બાદમાં રજાને ધ્યાને રાખી ગતિરોધ દૂર કરવાના પ્રયાસ પણ પડતર જ રહી જશે. આ માટે ઘર્ષણ દૂર થવા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે. આ અંગે સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે સદન સ્થગિત કરવાની માગ કરી રહેલી કોંગ્રેસના સભ્યોને બેઠક ચાલવા દેવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ગતિરોધ દૂર કરવા માટે બંને પક્ષો વચ્ચે વાત ચાલી રહી છે અને તેમને વિશ્વાસ છે કે, કોઇને કોઇ ઉકેલ આવી જશે. ગોયલે કહ્યું કે, કોંગ્રેસ સદનની બેઠક ચાલવા દે જનતા બધુંજોઇ રહી છે. આ અંગે કોંગ્રેસના ઉપનેતા આનંદ શર્માએ કહ્યું કે, વિપક્ષ પણ એવું ઇચ્છે છે કે, સદનમાં ચર્ચા થાય પરંતુ ઘર્ષણ દૂર કરવા માટે સદનની કાર્યવાહી સ્થગિત થવી જોઇએ. આ દરમિયાન નાયડુએ હંગામો કરી રહેલા કોંગ્રેસના સભ્યોને કહ્યું કે, ગઇકાલે પણ આ મુદ્દે હોબાળાને કારણે સચિન બોલી શક્યો નહોતો જે સદનની કાર્યવાહી માટે યોગ્ય નથી. તેમણે કોંગ્રેસનાસભ્યો પાસે સ્પષ્ટતા માગી હતી કે, તેઓ ખરેખર સદનનું ઘર્ષણ દૂર કરવા માગે છે કે, પછી સ્થગિત કરવા માગે છે. અઠવાડિયાના અંતને કારણે ૨૩ અને ૨૪મીએ સદનની કાર્યવાહી નહીં થાય જ્યારે સોમવારે ક્રિસમસ હોવાથી રજા રહેશે. ૨૬મી ડિસેમ્બરે સદનની કાર્યવાહી નહીં કરવાનો પહેલાથી જ નિર્ણય લેવાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૫મીડિસેમ્બરથી સંસદ ચાલુ થઇ ત્યારથી મનમોહન મુદ્દે કોંગ્રેસનો હોબાળો ચાલુ છે અને તેઓ સતત વડાપ્રધાન મોદીની માગ કરી રહ્યા છે. જોકે, ગત મંગળવારે સદનની કાર્યવાહી થોડી ચાલી હતી અને કેટલાક ખરડા મુકાયા હતા.