Site icon Gujarat Today

ભાજપને પરાજીત કરવા વિપક્ષે એકજૂથ થવું જોઈએ : મનમોહનસિંહ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે સોમવારે આગાની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા દળને પરાજીત કરવા માટે વિપક્ષને એકજૂથ થવાનો આગ્રહ કર્યો છે. તેમણે ઈંધણના ભાવમાં વધારો અને ખેડૂતોની મુશ્કેલીઓને કારણે દેશભરમાં સર્જાયેલી સંકટની સ્થિતિ બદલ મોદી સરકારની ટીકા કરી હતી. મનમોહનસિંહે જણાવ્યું કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વર્ષ ર૦૧૪ની ચૂંટણી પહેલાં લોકોને આપેલા વચનો પૂર્ણ કરવા અને ઈંધણના ભાવોને નિયંત્રિત કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. મનમોહનસિંહે રામલીલા મેદાનમાં આયોજિત વિરોધ રેલીમાં જણાવ્યું કે, પરિસ્થિતિઓથી જાણવા મળે છે કે, સ્થિતિ હવે નિયંત્રણની બહાર જતી રહી છે. ખેડૂતો, વેપારીઓ યુવાનો પોતપોતાના ક્ષેત્રમાં મુશ્કેલીઓ ઉઠાવી રહ્યા છે. સરકાર સામાન્ય લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડી છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્રમાં પાર્ટીને બદલવાનો સમય આવી ગયો છે અને તે ટૂંક જ સમયમાં થશે. મનમોહને વિપક્ષી દળોને આગ્રહ કરતા જણાવ્યું કે, વર્તમાન સરકારનો વિરોધ કરનારા દળોએ પોતાના મતભેદોને ભૂલી જવા જોઈએ અને દેશની એકતા અને ધર્મનિરપેક્ષતાની ઓળખને જાળવી રાખવા માટે એક સાથે આવવું જોઈએ. આપણે એકતાના સામૂહિક લાભને સાબિત કરવાની જરૂરત છે. સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ)ના અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે પૂર્વ પ્રધાનમંત્રી રાજઘાટથી શરૂ થયેલી રેલીમાં સામેલ થયા હતા અને રામલીલા મેદાન પહોંચ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીએ સરકારના વિરોધમાં કોંગ્રેસનો સાથ આપી રહેલા લગભગ ર૦ રાજકીય વિપક્ષી દળોની હાજરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આગામી વર્ષે સામાન્ય ચૂંટણી પહેલાં આ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે અને આપણે આ એકતાને ઉપયોગ કરવો જોઈએ અને દેશમાં એક આંદોલન શરૂ કરવું જોઈએ. કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન જનતા દળ-સેક્યુલર, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, લોકતાંત્રિક જનતા દળ, રાષ્ટ્રીય લોક દળ, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, રિવોલ્યુશનની સોશ્યાલિસ્ટ પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળો દ્વારા સમર્થિત છે.

Exit mobile version