(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા. ૩૦
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્ર સરકારના વિદેશ રાજ્યમંત્રીએ આજે રાજ્યની માગણી સ્વીકારતા ગુજરાતમાં નવા છ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને દેશ અને દેશવાસીઓ સાથે જોડવાના ભગીરથ પ્રયાસ કરી અમે બે દિલોને જોડવા મજબૂત બ્રિજ બાંધ્યો છે. જેથી રાષ્ટ્રના વિકાસમાં એનઆરઆઈના સહયોગને નવું દિશાદર્શન મળે.
વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી ગાંધીનગર ખાતે યોજાયેલી કોન્સ્યુલેટ, પાસપોર્ટ અને ડાયસ્પોરા સંદર્ભેની સ્ટેટ આઉટરીચ કોન્ફરન્સમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયના કાર્યક્ષેત્રના કેન્દ્રમાં વિદેશમાં વસતા કે વિદેશ જવા માગતા ભારતીય નાગરિકોનું હિત રહેલું છે. આવા નાગરિકોની સમસ્યાનો ઉકેલ અને ગુણવત્તાલક્ષી જીવન માટેના પ્રયાસો જ નહી કામ માટે વિદેશ જતા કામદારોનું હિત અમારી પ્રાથમિકતા છે. અમારા માટે વ્હાઇટ કોલર, બ્લ્યુ કોલર એવા કામના પ્રકાર નથી. તિરંગા કોલર જ અમારા માટે મહત્વ ધરાવે છે. આ કોન્ફરન્સને ‘બીગીનીંગ ઓફ જર્ની’ ગણાવતા એમ.જે.અકબરે ઉમેર્યું હતું કે, વિદેશ મંત્રાલય રાજ્ય સરકારોની સહભાગીતા મેળવીને માત્ર ભારત દેશનું જ નહીં ભારતીય નાગરિકોનું વિશ્વભરમાં પ્રતિનિધિત્વ કરવાનો ધ્યેય રાખે છે. જેના ભાગરૂપે જ રાજ્યોમાં આવી આઉટરીચ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે.
પરિવર્તન વિના ટકવું હવે મુશ્કેલ છે તેનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રીએ ૨૧મી સદીને ‘સેન્ચુરી ઓફ પ્રોસ્પેરિટી’ ગણાવી હતી. ટેકનોલોજીના સહારે જે બદલાવ આવ્યો છે તેની નોંધ લઇ તેમણે જણાવ્યું હતું કે, હવે દસ-બાર દિવસમાં નાગરિકના હાથમાં પાસપોર્ટ આવી જાય છે જે ખરેખર આવકારદાયક બદલાવ છે. ગુજરાતમાં નવા છ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની રાજ્ય સરકારની દરખાસ્તનો સ્વીકાર કરી ગુજરાતમાં ગાંધીનગર ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર અને બારડોલી ખાતે નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની તેમણે ઘોષણા પણ કરી હતી.
રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે વિશ્વમાં ભારતીયોની એક આગવી બ્રાન્ડ ઇમેજ છે જેને વધુને વધુ મજબૂત કરવા રાજ્ય સરકારનો બિન નિવાસી ગુજરાતી પ્રભાગ હંમેશા કાર્યરત છે.