(એજન્સી) કોલકત્તા, તા. ૨૫
પશ્ચિમ બંગાળના મુખ્યમઁત્રી મમતા બેનરજીએ મોબાઈલ ફોન નંબર સાથે આધાર જોડવાની પહેલનો વિરોધ કર્યો છે. બેનરજીએ કહ્યું કે મારા ફોનને આધાર સાથે જોડીશ નહીં, તેમને (કેન્દ્ર સરકારે) નંબર બંધ કરવો હોય તો કરી નાખે. આધાર સાથે મોબાઈલ નંબરોને જોડવાના ટ્રાઈના જાહેરનામાને પડકારતી અરજી દાખલ થયાના એક દિવસ બાદ બેનરજીએ આવું કહ્યું. ગત મહિને એક રિપોર્ટમા એવું કહેવાયું હતું કે આધાર કાર્ડ સાથે ન જોડાયેલા મોબાઈલ નંબરોને ફેબ્રુઆરી ૨૦૧૮ થી બંધ કરી દેવામા આવશે. સુપ્રીમ કોર્ટે પણ ૬ ફેબ્રુઆરીના રોજ કેનદ્ર સરકારને એક વર્ષની અંદર કોઈ અસરકારક તંત્ર બનાવવાનો આદેશ આપ્યો હતો. હાલના લગભગ ૧૦૦ કરોડ અને નવા ઉપભોક્તાઓની ઓળખની વિગતોની ચકાસણી કરવા માટે અસરકારક તંત્રની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો. લોક નીતિ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરાયેલી એક જનહિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમે એવી આશા વ્યક્ત કરી કે નજીકના ભવિષ્યમાં એટલે કે એક વર્ષના સમયગાળામાં આ પ્રોસેસને પૂર્ણ કરી દેવામાં આવશે. કોર્ટે એવું પણ સૂચન કર્યું કે કુલ મોબાઈલ ધારકોના ૯૦ ટકા એવા પ્રિપેઈડ મોબાઈલ ધારકોને રિચાર્જ વખતે ઓળખની વિગતો રજૂ કરવાનું કહી શકાય છે.