અમદાવાદ, તા.રપ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર વિકલ્પ કોંગ્રેસ જ છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મારા સમર્થકો કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટણી લડવા માંગતા હોય તો તેઓ સ્વતંત્ર છે એવું નિવેદન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આપ્યું છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત વેળા હાર્દિક પટેલે તેમની સાથે મુલાકાત કરવાની જાહેરમાં ના પાડી હતી. પરંતુ હોટલમાં હાર્દિક ગયો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર લાવીને હાર્દિક રાહુલ ગાંધીને મળ્યો હોવાની અટકળો વહેતી કરાવી ભાજપ સરકારે હાર્દિક ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હાર્દિક પટેલે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું પહેલા પણ કહી ચૂક્યો છુ કે જો મારા પિતા પણ ભાજપમાંથી ટિકિટ લઈને ચૂંટણી લડે તો લોકોએ તેમને વોટ આપવા જોઈએ નહી. કોંગ્રેસ ગુજરાતમાં વાસ્તવિક વિકલ્પ છે. મારા સમર્થકો કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. એમ કહીને હાર્દિક ભાજપ સરકારની સામે સીધો વાર કરીને કોંગ્રેસના હાથને આડકતરો સાથ આપ્યો છે.