(એજન્સી) મુંબઇ, તા.ર૭
કોંગ્રેસના નેતા આરીફ નસીમ ખાને મુસ્લિમો માટે અનામતના મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પોતાનું સ્ટેન્ડ જાહેર કરવા કહ્યું છે અને મરાઠા સમુદાય જેવુ સમાન આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે.
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય નોકરી અને શિક્ષણમાં આરક્ષણ સહિત તેમની માગણીઓ માટે સમગ્ર રાજ્યમાં એક વિશાળ અને ‘શાંત’ આંદોલન કરી રહ્યો છે.
લઘુમતી બાબતોના ભૂતપૂર્વ પ્રધાને જણાવ્યું હતું કે “વડાપ્રધાન કહે છે કે મુસ્લિમોને મત બેન્ક તરીકે ન ગણવા જોઇએ જ્યારે મહારાષ્ટ્રમાં તેમના પક્ષના મુખ્યમંત્રી ઇરાદાપૂર્વક મુસ્લિમોને ૫ ટકા આરક્ષણ આપતા બિલને પસાર કરવામાં વિલંબ કરી રહ્યા છે”. એ સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે ધાર્મિક આધારે નહીં પરંતુ મુસ્લિમોના સામાજિક અને આર્થિક પછાત પણાને લીધે મુસ્લિમોને અનામત આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે “હાઇકોર્ટ દ્વારા પણ શિક્ષણના ક્વોટા પર અમારા નિર્ણયને ટેકો આપવામાં આવ્યો છે. અને આ નિર્ણય સચર અને મહેમૂદ-ઉર-રહેમાનની સમિતિઓના એવા અહેવાલ પછી લેવામાં આવ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોની સ્થિતિ એસસી / એસટી કરતાં વધુ ખરાબ છે,” તેમણે કહ્યું કે જો ફડણવીસ તેનો યોગ્ય અમલ કરવા ઇચ્છતા હોય તો તેમણે કાયદેસર રીતે મુસ્લિમો માટે અનામતનો અમલ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે “હાઈકોર્ટે આ મુદ્દે આગળ વધવાનો આદેશ આપ્યો પછી આ વટહુકમમાં વિલંબ કરવાનું કોઈ કારણ નથી. પરંતુ આ ઇરાદાપૂર્વક કરવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ હોય એવું લાગે છે, જો સરકાર આ વટહુકમ શિયાળુ સત્રમાં લાવશે નહીં તો અમે મરાઠા આંદોલન જેવુ જ આંદોલન કરશું.”
મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ અસીમ આઝમીએ જણાવ્યું હતું કે તેઓએ અનામત મુદ્દે દરેક પક્ષના સમગ્ર ધારાસભ્યો સહિત તમામ મુસ્લિમ નેતાઓની એક બેઠક બોલાવી હતી.
આઝમી જણાવ્યું હતું કે “મરાઠા લોકો આરક્ષણના તેમના અધિકાર માટે વિરોધ કરી રહ્યા છે, તો હવે મુસ્લિમ સમુદાય માટે સંગઠિત થઈને પોતાના સમાજ માટે આરક્ષણ આપવાની ખાતરી કરવા માટે ભાજપ સરકાર પર દબાણ કરવા માટેનો સમય આવી ગયો છે. અન જાણીતા વ્યાવસાયિકો અને રાજકીય નેતાઓ આ મુદ્દે વધુ પગલાં લેવા માટે યોજના નક્કી કરશે”