મહારાષ્ટ્રના મરાઠા અનામત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ કરી આત્મહત્યા

(એજન્સી) ઔરંગાબાદ,તા.૩
મહારાષ્ટ્રના મરાઠા અનામત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. ઔરંગાબાદમાં ઉમેશ આત્મારામ ઈંડાઈત નામના ૨૧ વર્ષીય વિદ્યાર્થીએ ઘરમાં પંખા પર લટકીને આપઘાત કર્યો છે. ઉમેશે સુસાઈટ નોટમાં લખ્યું છે કે બીએસસી થયા બાદ પણ તેને નોકરી મળી નહીં કારણ કે તે મરાઠા છે. ગુરુવારે ઉમેશની સુસાઈડ નોટ સોશયલ મીડિયા પર આવી અને બાદમાં સેંકડો લોકો દ્વારા ઔરંગાબાદના જાલના રોડ પર દેખાવો દરમિયાન પૂતળા દહન અને પથ્થરબાજી પણ કરવામાં આવી હતી. પોલીસના દાવા મુજબ ઔરંગાબાદની સ્થિતિ શાંતિપૂર્ણ છે.
મરાઠા સંગઠનો દ્વારા સમુદાય માટે નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગણી સાથે દેખાવો થઈ રહ્યા છે. ગત બે સપ્તાહમાં ઓછામાં ઓછા છ યુવકો દ્વારા અનામતની માગણી સાથે આત્મહત્યા કરવામાં આવી છે. આપઘાત કરનારા ઉમેશ ઈંડાઈત મરાઠા અનામતને લઈને દરેક ગતિવિધિઓમાં સામેલ હતો. મરાઠાવાડના પર્લીમાં મરાઠા સમુદાય દ્વારા સરકારને સાતમી ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકાર કોઈ નક્કર નિર્ણય કરવામાં નિષ્ફળ જવાની સ્થિતિમાં નવમી ઓગસ્ટે મોટા આંદોલનની ચિમકી પણ આપવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના આઝાદ મેદાનમાં જેલભરો આંદોલન પણ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની વસ્તી ૩૩ ટકા એટલે કે ચાર કરોડ છે. મરાઠા સમાજ ૧૬ ટકા અનામતની માગણી કરી ર્હયો છે. ઓબીસી કેટેગરીમાં સરકારી નોકરીઓમાં તેઓ અનામતની માગણી કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૭૨ હજારની મેગા ભરતી પર રોકની માગણી કરવામાં આવી છે. શિક્ષણમાં અનામતની માગણી સાથે મરાઠા સમાજ દ્વારા દલિત અત્યાચાર વિરોધી કાયદાના દુરુપયોગને રોકવાની માગણી પણ કરી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks