(એજન્સી) પુણે, તા.ર૬
ત્રણ મહિનાથી ધરપકડથી નાસતા ફરતા સતારાના સાંસદ અને એનસીપી નેતા ઉદયનરાજ ભોસલે આખરે આત્મસમર્પણ કર્યું છે. ખંડણી અને હત્યાનો પ્રયાસ કરવા મામલે આરોપી ઉદયનરાજે મંગળવાર સવારે પોલીસ સમક્ષ રજૂ થયા હતા. બાદમાં બપોરે સતારાની સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. ભોસલેની ધરપકડની ક્ષણો બાદ જ ધંધાદારીઓ અને દુકાનો તાળા વાગ્યા હતા. સાંસદને જામીન મળી ત્યાં સુધી સતારામાં સંવેદનીશલ વાતાવરણ સર્જાયું હતું.
ભોસલે (ઉ.વ.પ૧) પર સ્થાનિક વેપારીઓ પાસે ખંડણી લેવાનો આરોપ મૂકાયા બાદ માર્ચથી તેઓ ધરપકડથી નાસતા ફરતા હતા. ગત સપ્તાહે તેમની આગોતરા જામીનની અરજી મુંબઈ હાઈકોર્ટે ફગાવી હતી. સતારાના ડીએસપી સંદીપ પાટીલે આ અંગે જણાવ્યું હતું કે સવારે ૯ વાગ્યે તેઓએ પોલીસ સ્ટેશનમાં આત્મ સમર્પણ કર્યું હતું. તપાસના ભાગરૂપે તેમના અવાજના નમૂના પણ લીધા હતા. મેજીસ્ટ્રેટ કસ્ટડીમાં રિમાન્ડ લેવામાં આવ્યા હતા. બાદમાં તેમના વકીલે શરતી જામીન રજૂ કરતા મુક્ત કરવામાં આવ્યા હતા. ધરપકડ બાદ પોલીસ સ્ટેશન ખાતે ભોસલેના અનેક સમર્થકો ઉમટી પડ્યા હતા. ટેલિવિઝન ચેનલે ભોસલેના આત્મસમર્પણ બાદ વરિષ્ઠ પોલીસ અધિકારી તેને ભેટી રહ્યા હોવાની વીડિયો ક્લિપ પ્રસારિત કરતા વિવાદ સર્જાયો હતો. આ અંગેની ઘટનાની વાત પોલીસ અધિકારીએ નકારતા કહ્યું હતું કે તે એકબીજાને ઓળખતા પણ નથી. ત્યાં ભેટવાની વાત આવી જ ક્યાંથી જ્યારે બીજી બાજુ એનસીપીએ પણ ભોસલેને ક્લિનચીટ આપતા કહ્યું હતું કે રોયલ પરિવારમાંથી આવતો વ્યક્તિ શા માટે ખંડણી ઉઘરાવે. આ તમામ આરોપો ખોટા છે.