ધોળકાના કલિકુંડમાં દબાણ હટાવો ઝુંબેશનો વિરોધ : માર્ગો ખુલ્લા કરવા તંત્ર કટિબદ્ધ

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૫
ધોળકા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત આજે બજાર વિસ્તાર, મધિયા, બસ સ્ટેન્ડ તથા તેની આસપાસના વિસ્તારોમાં માર્કિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જ્યારે કલીકુંડ વિસ્તારમાં દબાણના વિરોધમાં સ્થાનિક વેપારીઓએ સવારે થોડા સમય માટે પોતાની દુકાનો બંધ રાખતા તંત્ર દોડતું થઈ ગયું હતું. જો કે પછી દુકાનો ખુલી જતાં તંંત્રએ રાહત અનુભવી હતી અને વેપારીઓએ પ્રાંત અધિકારીને રજૂઆત કરવાની તૈયારી આરંભી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા શહેરમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એક રાઉન્ડ પુરો થયો છે. બુધવારથી બીજો રાઉન્ડ શરૂ કરવાનો હતો પરંતુ સવારે કલિકુંડ વિસ્તારમાં વેપારીઓ દબાણ ખસેડવાની કામગીરીના વિરોધમાં એકઠા થયા હતા અને ખૂલેલી દુકાનો થોડા સમય માટે બંધ કરી દીધી હતી. સ્ટેટ હાઈવેની બંને બાજુ ર૪ મીટર સુધી દબાણો તોડી પાડવાનો નિયમ માર્ગ અને મકાન ખાતાનો છે. આથી વ્યાપક નુકસાન થવાની બીકે કલીકુંડના વેપારીઓ દબાણ હટાવવાની કામગીરીથી નારાજ થયા છે. તેમણે પ્રાંત અધિકારીને રજૂઆત કરવાની તૈયારી આરંભી હતી. દરમ્યાન વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્ર પણ “છાશ પણ ફૂંકીને પી રહ્યું હોય” તેવું લાગી રહ્યું છે. બુધવારે દબાણો તોડવાની કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી. જ્યારે આજે દિવસ દરમ્યાન મધિયા, બજાર, જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવો ટીમે સિટી સર્વે કચેરીના અધિકારીને સાથે રાખી સિટી સર્વેના નિયમ મુજબ માર્કિંગ કરવાની કામગીરી કરી હતી. કોણે કેટલું દબાણ કર્યું છે. તેનું માર્કિંગ થઈ ગયા બાદ દબાણ તોડવા માટે બનાવેલી ૩ ટીમો “ઓપરેશન ડિમોલીશન”ની કામગીરીને તેજ કરી માર્ગો ખુલ્લા કરશે. ધોળકા વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્ર ધોળકા શહેરને દબાણ મુક્ત કરવા કટિબદ્ધ બન્યા છે ત્યારે પ્રજાએ પણ સાથે અને સહકાર આપવો જોઈએ એમ જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts