(એજન્સી) હરિયાણા,તા.૧૪
રાજસ્થાનમાં ૧૦ નવે. શુક્રવારના રોજ ગાય અને વાછરડા લઈ જતાં ત્રણ શખ્સો પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિની મૃત્યુ થઈ હતી.
અલવર પોલીસે રવિવારે દાવો કર્યો કે, શુક્રવારના રોજ કહેવાતા ગૌરક્ષકો દ્વારા ગોળી ચલાવવાના પ્રથમ દૃષ્ટિએ કોઈ પુરાવા મળ્યા નથી. ઘટનામાં ૪ર વર્ષીય ઉમરખાનનું મૃત્યુ થયું હતું. ગૌરક્ષકોનો આરોપ છે કે, ગોવિંદગઢમાં ઉમર, તાહિર અને જાવેદ નામના શખ્સ ગાયોની તસ્કરી કરતા હતા. તાહિર અનુસાર, હુમલાખોરોએ એમને પણ ગોળી મારી હતી. તાહિરે એ ગોળી મૂકી રાખી છે જે એમના ખભામાં વાગી હતી.
૪પ વર્ષીય તાહિરે જણાવ્યું કે, હું ઉમર અને જાવેદ શુક્રવારે ગોવિંદગઢ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે છ-સાત લોકોએ એમના પર ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી. જાવેદ ટ્રક ચલાવી રહ્યો હતો. જાવેદે જણાવ્યું કે, તાહિર જોર-જોરથી બૂમો પાડતો રહ્યો પરંતુ તેમણે ગોળી છોડવાનું ચાલુ રાખ્યું. હું દરવાજો ખોલીને ઝાડીઓ તરફ દોડ્યો તેમણે મારો પીછો કર્યો પરંતુ અંધારાને લીધે હું ભાગવામાં સફળ રહ્યો. તાહિરે કહ્યું, હું વચ્ચેની સીટ પર બેઠો હતો. ઉમર મારી ડાબી તરફ હતો. એણે દરવાજો ખોલ્યો પરંતુ ગોળી વાગવાને કારણે તે ત્યાં જ ઢળી પડ્યો. હું ભાગ્યો, મને ડાબીબાજુ ગોળી વાગી હતી. તાહિર અનુસાર ડોક્ટરે એમના ખભામાંથી ગોળી કાઢી હતી. તાહિરે જણાવ્યું કે તેમણે મારા માથા પર બંદૂકના હાથા વડે હુમલો કર્યો. એક શખ્સે મારો જમણો પગ મરોડ્યો. ત્યારે બીજા શખ્સે કહ્યું, રાકેશ આ (ઉમર) તો મરી ગયો હવે આ પણ મરી જશે. ત્યારબાદ હું બેભાન થઈ ગયો. તાહિરે જણાવ્યું કે એક કલાક બાદ ભાનમાં આવ્યો. તાહિર જણાવે છે કે, મેં પાછળ વળીને જોયું નહીં, દોડતો રહ્યો મને એક મોટર સવાર મળ્યો, મેં તેને જણાવ્યું કે હું ઘાયલ છું. એણે મને મારા ગામ નજીક છોડ્યો. ત્યારબાદ મારો પરિવાર મને હરિયાણા હોસ્પિટલમાં લઈ ગયો. જાવેદ પણ હુમલાની જગ્યાથી લગભગ ૪૦ કિ.મી. દૂર પોતાના ગામ પહોંચી ચૂક્યો હતો. ઘટનાના ત્રણ દિવસ બાદ પણ તાહિર અને જાવેદ પોતાના ઘરમાં નથી રહેતા. તેઓ પોતાના રહેણાંકની જગ્યા વિશે કોઈને જણાવવા માંગતા નથી.