(એજન્સી) તા.ર૧
રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલાએ મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલના આરોપોને નકારી દીધા છે. તેમણે કહ્યું કે આ સત્ય છે કે આઇયૂએમએલએ અમને મકાન માટે પૈસા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તેનો કોઇ રાજકીય ઉદ્દેશ્ય ન હતો. હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહેલા રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલાએ ગોયલના આરોપોને નકારતાં કહ્યું હતુંં કે હું તો મારી મરજીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતી રહી છું અને તેનાથી આઇયુએમએલને કોઇ લેવા દેવા નથી. નોંધનીય છે ક ેભાજપે બુધવારે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ(આઈયુએમએલ) પર રાજકીય ઉદ્દેશ્યથી રોહિત વેમુલાના પરિવારનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. ભાજપ નેતા પીયૂષ ગોયલે કહ્યું હતુંં કે હું રોહિત વેમુલાની માતાના નિવેદન બાદ ચિંતામાં છું. છેવટે ક્યાં સુધી કેટલીક રાજકીય પાર્ટીઓ આ મુદ્દે રાજનીતિ કરવાનું ચાલુ રાખશે ? પરિવાર નાણાંકીય રીતે મજબૂત નથી અને રાજકીય ઉદ્દેશ્યથી મૃતકની માતાને પૈસાના જૂઠાં આશ્વાસન અપાઈ રહ્યાં છે. ગોયલે દાવો કર્યો હતો કે પોતાના નિવેદનમાં રાધિકા વેમુલાએ કહ્યું છે કે આઇયુએમએલએ ર૦ લાખ રુપિયા આપવાનો જૂઠ્ઠો વાયદો કર્યો હતો અને તેમનાથી પાર્ટીઓની રેલીઓને સંબોધિત કરવા અને એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ખોટી રીતે રજૂ કરવા કહ્યું હતુંં. તેમણે કહ્યું કે તેમનાથી કેરળની યાત્રા કરવા અને આઇયુએમએલ માટે રેલીઓ સંબોધિત કરવા કહેવાયું હતુંં. આઈયુએમએલના નેતાઓ પર નિશાન તાકતાં ભાજપના નેતાએ કહ્યું હતુંં કે તેની માતા અનુસાર આઇયુએમએલએ ર.પ લાખ રુપિયાના બે ચેક આપ્યા જેમાં એક બાઉન્સ થઇ ગયો. રાધિકા વેમુલાએ સ્વીકાર્યું કે ચેક બાઉન્સ થઇ ગયો પરંતુ આઇયુએમએલના ઈશારે કામ કરવાનો આરોપ તેમણે નકારી દીધો હતો. કોંગ્રેસે પીયૂષ ગોયલને આ મુદ્દે માફી માગવા કહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પીયૂષ ખોટી અફવા ફેલાવી રહ્યાં છે જે માટે તેમણે માફી માગવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે પીયૂષનું નિવેદન મોદી સરકારની માનસિકતા અને સંસ્કૃતિને દર્શાવે છે.