(એજન્સી) તા.૩૦
જમણેરી પાંખની સનાતન સંસ્થા એક પ્રકારની ગેરકાયદે સત્તા છે અને આવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવો જોઇએ કારણ કે રાજ્યમાં કેન્સરની માફક તે ફેલાઇ રહી છે એવી ગોવાના અગ્રણી કર્મશીલોએ માગણી કરી છે. પ્રગતિશીલ લેખક દામોદર માઉજોને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ કર્મશીલો તરફથી આવી માગણી કરવામાં આવી છે. ગત સપ્ટેમ્બરમાં બેંગ્લુરુ ખાતે પત્રકાર-કર્મશીલ ગૌરી લંકેશની હત્યામાં તપાસ કરી રહેલ કર્ણાટક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે (સીટ) ગોવા પોલીસને સાહિત્યકાર દામોદર માઉજોની જાનને ખતરો હોવાનું જણાવ્યું હતું. જો કે અખિલ ભારતીય ઉપસ્થિતિ ધરાવનાર ગોવા સ્થિત જમણેરી સંગઠન સનાતન સંસ્થાએ જણાવ્યું હતું કે આ આક્ષેપો બેબુનિયાદ છે. તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ હિંદુવાદ અંગે ધાર્મિક શાણપણનો પ્રચાર-પ્રસાર કરવા આધ્યાત્મિક ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. લેખક માઉજોએ જણાવ્યું છે કે સનાતન સંસ્થા કેન્સરની માફક પ્રસરી રહી છે જેને ગોવામાં ફેલાતી અટકાવવી જોઇએ. આ પ્રકારના પગલાં માટેની જરુરિયાત પર ભાર મૂકતા સામાજિક કર્મશીલ પ્રશાંત નાયકે જણાવ્યું હતું કે તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી અદાલત સમક્ષ રજૂ કરતા પહેલા રાજ્ય સરકાર દ્વારા કાનૂનવિદોને નિયુક્ત કરવા જોઇએ. જે રીતે સનાતન સંસ્થા સમાજમાં નફરત ભડકાવી રહી છે તે જોતા તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ એવું નાયકે જણાવ્યું હતું. ગોવા કોંગ્રેસના પ્રમુખે પણ આ માગણીમાં સૂર પુરાવ્યો હતો. સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી સનાતન સંસ્થામાં કોંકણી ભાષા મંડળનો પણ સમાવેશ થાય છે.