અમદાવાદ,તા. ૮
ચૂંટણી અધિકારીએ પગલાં લીધા નહીં : અહમદ પટેલ
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતોના વિવાદ સંદર્ભે કોંગ્રેસના રાજયસભાના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અહમદ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ બંને ધારાસભ્યોએ ચૂંટણી નિયમોનો ભંગ કરી મતદાન કર્યું છે અને તેના કારણે તેઓના મત રદ થાય. આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા એ જ વખતે સવારે રિટર્નીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ કરી હોવાછતાં કોઇ પગલાં લેવાયા નથી. ચૂંટણી પંચે નિર્ભયતાથી અને તટસ્થતાથી આ મામલે નિર્ણય કરવો જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી રાજકીય કારકિર્દીના આ પ્રકારની તણાવપૂર્ણ અને પ્રતિષ્ઠાભરી ચૂંટણી મેં કયારેય જોઈ નથી. એમ જણાવી તેમણે પોતાની જીતનો પણ આશાવાદ વ્યકત કર્યો હતો.
શકિતસિંહે ટવીટ્ કરી સવાલો ઉઠાવ્યા
શકિતસિંહ ગોહિલે ટવીટ્ કરી ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, શા માટે વીડિયોના પૂરા દ્રશ્યો બતાવાતા નથી અને અધૂરા ફુટેજ કેમ બતાવાઇ રહ્યા છે ? કેમેરામાં વીડિયો કેમ બતાવાઇ રહ્યો નથી. શકિતસિંહ ગોહિલે ગંભીર સવાલો ઉઠાવી ચૂંટણી પંચ પર ભાજપ મોટું દબાણ લાવી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. શકિતસિંહના ટવીટ્ બાદ રાત્રે મતોના વિવાદનો મામલો ફરી ગરમાયો હતો.
ચૂંટણી પંચ ભાજપના દબાણમાં છેઃમોઢવાડિયા
મોડી રાત્રે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ભાજપના દબાણમાં કામ કરી રહ્યું હોય તેમ લાગે છે કારણ કે, કોંગ્રેસની ફરિયાદ અને વીડિયોગ્રાફી જોતાં સ્પષ્ટપણે કોંગ્રેસના બંને બળવાખોર ધારાસભ્યોના મતો રદ થાય તેમ છે તેમછતાં હજુ સુધી તેની પર લાંબો વિચાર થઇ રહ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને મીતષ ગરાસીયાના મતો પણ રદ કરવા કરાયેલી ફરિયાદ મામલે ભાજપ પર પ્રહાર કરતાં મોઢવાડિયાએ જણાવ્યું કે, ભાજપ મતગણતરી શરૂ થઇ ગઇ પછી કેમ જાગ્યું. કોંગ્રેસની ફરિયાદ બાદ ભાજપને ડર લાગતાં તેણે આવી બોગસ ફરિયાદ ઉભી કરવી પડી. જો શૈલેષ પરમાર અને મીતેષ ગરાસીયાના મતો સામે વાંધો હતો તો, ભાજપે સવારે કેમ ચૂંટણી અધિકારીને ફરિયાદ ના કરી અને લેખિતમાં ના કરી. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના મતો રદ કરવાની કોંગ્રેસની માંગણી બાદ ભાજપ હતાશ થઇને આવી બોગસ ફરિયાદ કરવા આવ્યું જે શરમજનક છે. વાસ્તવમાં ભાજપ હાંફળુફાંફળુ બની ગયું છે.
મામલો સુપ્રીમકોર્ટ સુધી જાય તેવી શકયતા
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના મતોના વિવાદને લઇ કોંગ્રેસની ફરિયાદ અને કોંગ્રેસના બે ધારાસભ્યોના મતો રદ કરવાની માંગણી સાથેની ભાજપની ફરિયાદનો મામલો કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ એટલી હદ સુધી ગૂંચવાયો હતો કે, રાજકીય વિશ્લેષકોના મતે હવે જો ચૂંટણી પંચ કોઇપણ નિર્ણય જાહેર કરે તો પણ બીજો પક્ષ સુપ્રીમકોર્ટ સુધી લડત આપશે. આમ, ગુજરાતની રાજયસભાની ચૂંટણીનો મામલો હવે સુપ્રીમકોર્ટ સુધી જાય તેવી પણ શકયતાઓ બળવત્તર બની છે.