તિરૂવનંતપુરમ, તા.ર૩
હૈદરાબાદની એક મસ્જિદમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની નમાઝ પઢી કેરળ પૂર પીડિતોને દાન આપવામાં આવ્યું હતું. કેરળમાં પૂરની સ્થિતિએ સર્જેલી તારાજી વચ્ચે રાજ્ય સ્થિત મસ્જિદમાં આશ્રય લીધેલ બેઘર બનેલ ડઝનબંધ હિન્દુ શરણાર્થીઓ સાથે ઈદ-ઉલ-અઝહાનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ મલપ્પુરમ જિલ્લાના નિલામ્બુર સ્થિત મસ્જિદમાં પૂરને કારણે વિસ્થાપિત ૧રપ લોકોનો આવાસ છે જેમાં એક ડઝનથી વધુ હિન્દુ પરિવારો છે. શિબિરમાં આશ્રય લીધેલ એક શાળાના શિક્ષક અબ્દુલ વહાબ કોડુવલીએ જણાવ્યું કે, દરેક ગ્રામીણવાસીએ પોતાની રીતે લોકોને બચાવ્યા અને રાહત શિબિરમાં લાવ્યા. તેમણે જણાવ્યું કે, અમે અમારૂં ઘર અને સામાન ગુમાવી ચૂક્યા છીએ. પરંતુ સંકટના આ સમયમાં અમારી એકતા દર્શાવવા ઈદનો પર્વ ઉજવી રહ્યા છીએ. અહેવાલ મુજબ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ ઉત્તર મલપ્પુરમની એક મસ્જિદે ૧૭ વિસ્થાપિત હિન્દુ પરિવારોને આશ્રય આપ્યો છે. જેમાં મહિલાઓ બાળકો અને વડીલો સામેલ છે. અલિયાર ગામના અકમપાડમ સ્થિત જામા મસ્જિદ આઠ ઓગસ્ટના રોજ જિલ્લામાં આવેલ પૂરની પરિસ્થિતિ બાદ રાહત છાવણીમાં ફેરવાઈ ગઈ છે. ધર્મ અને જાતિથી દૂર મસ્જિદમાં વિસ્થાપિતોને ઊંઘવા માટે આશ્રય આપવામાં આવ્યો છે. એમને કેન્ટીનમાં તૈયાર કરેલ ભોજન અપાય છે. ટાઈમ્સ રિપોર્ટ મુજબ, મલપ્પુરમમાં ૧ર૭ રાહત છાવણીમાં આશરે ૩૦,૦૦૦ લોકો વસવાટ કરે છે. ત્યારપછી સોમવારે ર૦૦૦થી વધુ લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા અને ર૮ રાહત શિબિર બંધ કરવામાં આવી હતી. ચલિયાર ગ્રામપંચાયતના સરપંચ પીટી ઉસ્માને જણાવ્યું કે, જામા મસ્જિદમાં ૭૮ લોકોએ આશ્રય લીધો છે જેમાંથી મોટાભાગના પરિવારો હિન્દુ સમુદાયના છે.