(એજન્સી) હૈદરાબાદ, તા.૩૦
હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સિયાસત ડેઈલી ઈંગ્લિશના અહેવાલ મુજબ, આંધ્રપ્રદેશના રાજમુંદરી શહેરની નૂરાની મસ્જિદમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ ઘુસી જઈને તોડફોડ શરૂ કરી દીધી હતી. તોફાનીઓ આટલેથી ન અટકતા મસ્જિદના મિમ્બરને તોડીને કુર્આન શરીફ અને મુસલ્લાને પણ આગ ચાંપી હતી. તોફાનીઓએ મસ્જિદના મોઅઝઝીન મૌલાના ફારૂક સાથે બરહેમીથી મારપીટ કરી હતી ત્યારબાદ તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી તેમને શહીદ કરી દેવામાં આવ્યા હતા.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે ટ્વીટ કરીને સમગ્ર ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો હતો અને સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. રાજમુંદરી શહેરના લાલચેરવૂની મસ્જિદમાં અસામાજિક તત્ત્વોએ ઘૂસી જઈ તોડફોડ મચાવ્યા બાદ જે નિર્દયતાપૂર્વક મુઅઝઝીન મૌલાના ફારૂકને શહીદ કર્યા તેનો વીડિયો જોઈને રાજસમંદમાં અફરાઝુલ ઈસ્લામને જીવતા સળગાવી દેવાનો વીડિયો આંખો સામે તરવરે છે. જે પ્રકારે કુર્આન શરીફ અને મુસલ્લાને બાળી નાંખવામાં આવ્યા તે પરથી આ ઘટનાને સાંપ્રદાયિક માહોલ બગાડવા તેમજ ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે.