(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૧
ફતેપુરા લોકમાન્ય તિલક સોસાયટીમાં આવેલા મકાનમાં વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા માતા અને પુત્રી દાઝી ગયા હતા. સ્થાનિક રહીશોએ પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પુત્રી અને માતાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પુત્રીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા લોકમાન્ય તિલક સોસાયટીમાં રહેતા પરિવારની મહિલા વહેલી સવારે ઉઠ્યા બાદ રસોડામાં પાણી ગરમ કરવા ગેસ ચાલુ કરી લાઇટર સળગાવતાજ પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. પુત્રી દાઝી જતા તેને બચાવવા દોડી ગયેલી માતા પણ દાઝી ગઇ હતી. પરિવારના અન્ય સભ્યો અને સ્થાનિક રહીશો સફાળા જાગી ગયા હતા. પરિવારના સભ્યોની મદદે પાડોશી તથા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. પ્રચંડ ધડાકાથી બારણું તુટી ગયું હતું અને પતરૂ પણ વાકું થઇ ગયું હતું. સ્થાનિક રહીશોએ પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી. ફાયર બ્રિગેડને બનાવ અંગેની જાણ કરવામાં આવતા લાશ્કરોની ટુકડી દોડી આવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પુત્રી અને માતાને સારવાર અર્થે ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ માતા અને પુત્રી પૈકી પુત્રીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ગુરૂવારના રોજ પણ વહેલી પરોઢીયે સુભાનપુરા હાઉસીંગ બોર્ડના મકાનમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા ચાર શખ્સો દાઝી ગયા હતા.