માતરના હૈજરાબાદ ગામે હજયાત્રાએ જતા હજયાત્રીને જમણવાર બંધ રાખવા ધમકી

ખેડા, તા.૧૭
માતર તાલુકાના હૈજરાબાદ ખાતે ગત રાત્રે નડિયાદ રૂરલ પોલીસ મોટા પોલીસ કાફલા સાથે ધસી જઈ હજયાત્રાએ જતા હાજીને ધમકી આપી જમણવાર બંધ રાખવા તથા હજ માટે જઈ નહીં શકે તેવી કટ્ટરવાદી તત્વોના ઈશારે ધમકી આપતાં મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.
અત્રે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર નડિયાદ ખાતે રહેતા મૂળ હૈજરાબાદના વતની કનુભાઈ બેચરભાઈ પટેલની પુત્રી સેજલ ગોધરા ખાતે ફાર્મસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ત્યાંથી તે ગુમ થયાની જાણવા જોગ નડિયાદ રૂરલમાં તેણીના પિતાએ ફરિયાદ આપી હતી અને તેમણે રહીમખાન પઠાણ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેના પુત્ર શાહરૂખ તરફ શંકાની સોય તાણી છે. રહીમખાન પઠાણનું વડીલોપાર્જિત મકાન હૈજરાબાદ (તા.માતર)માં છે. આમ મૂળ બંને હૈજરાબાદ (તા.માતર)ના છે. જ્યારે રહીમખા છેલ્લા રપ વર્ષથી બહાર છે અત્યારે રાજપીપળા ફરજ બજાવે છે.
જ્યારે હજ્જે બયતુલ્લા માટે જતા બદરૂમીયા કોન્ટ્રાકટર માતર ખાતે પોસઈ શ્રીમતી ચૌહાણને મળવા પણ ગયા હતા અને હિન્દુ સમાજ માટે આગલા દિવસે જમણનો કાર્યક્રમ રાખ્યો હતો અને આજે મિલન સમારંભ રાખ્યો હતો. ત્યારે રાત્રે ૧ર વાગ્યે નડિયાદ રૂરલ સીપીઆઈ બલદાણી પોલીસના ધાડા લઈને હૈજરાબાદ ખાતે આવીને હજ માટે જતા બદરુમીયા કોન્ટ્રાકટરને ધમકાવતા કહ્યું કે તમારૂ જમણવાર બંધ રાખો તમારે જમણવાર રાખવાનું નથી. તમો અમારૂં કહ્યું નહીં માનો તો હજ માટે જઈ શકશો નહીં જેથી તેઓ ગભરાઈ ગયા અને સંધાણા ખાતે રહેતા મુસ્લિમ અગ્રણી અને માતર તાલુકા પંચાયતના પ્રમુખ ઐયુબખાન મોહંમદખાન પઠાણને બોલાવતા અનેકવાર સીપીઆઈ સાથે પંચાયત ઘરમાં ચર્ચા કરવા છતાં પણ તેઓ ન માનતા રાત્રે માતર મામલતદાર રાઠવાને બોલાવતા તેમણે અન્ય સમુદાયના આગેવાન શનાભાઈ શાખાભાઈ (માજી સરપંચ), મહેશભાઈ કાન્તીભાઈ પટેલ, લાલજીભાઈ ઈશ્વરભાઈને પુછ્યું કે આ સમારંભ અંગે તમને કોઈ વાંધો છે તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હજ માટે જતા અમારા ગામના વ્યક્તિના સમારંભને મોકુફ રાખવાનો પ્રશ્ન નથી અમને કોઈ વાંધો નથી. આ સમારંભ રદ થાય તો અમારા ગામના ઈતિહાસને બટ્ટો લાગે અને મામલતદારે લેખિત માંગતા એમણે જણાવ્યુું કે અમોએ કોઈએ પણ વાંધો લીધો જ નથી પછી લેખિત આપવાનો સવાલ પેદા થતો નથી.
આમ કટ્ટરવાદીઓની હૈજરાબાદ ગામની શાંતિને પલીતો ચાંપવાનો કારસો નિષ્ફળ નિવડ્યો હતો. મિલન સમારંભમાં પોલીસના ધાડાની હાજરી જોતા મુસ્લિમ સમુદાયમાં ઉચાટની લાગણી જોવા મળી હતી.
આ પ્રોગ્રામમાં પોલીસ ખાતાએ પોલીસ બંદોબસ્ત ઉપરાંત એલસીબી તેમજ આઈ.બી.ના માણસો પણ મુક્યા હતા.
આ સમગ્ર બનાવથી ખેડા તથા માતર તાલુકાના મુસ્લિમ સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને મુસ્લિમ સમુદાયે પીઆઈ બલદાણી સામે કડક પગલા ભરવાની માગણી કરી હતી અને હૈજરાબાદના હિન્દુ સમાજનો આભાર માન્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks