(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૮
ભાજપ સરકારની સૂચનાથી અમદાવાદના દરિયાપુર વિધાનસભામાં લઘુમતી સમાજના ૩ હજાર જેટલા મતદારોના નામો યાદીમાંથી ગાયબ કરવા માટે જવાબદાર અમદાવાદ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી ચૌધરી સામે ફોજદારી ગુનો દાખલ કરી યોગ્ય તપાસ બાદ તાત્કાલિક સસ્પેન્ડ કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર પાઠવી માગ કરી છે. ધારાસભ્ય શેખે આ અંગે જણાવ્યું છે કે ગતરોજ જિલ્લા ચૂંટણી અધિકારીએ જે સ્પષ્ટતા કરી છે તે કલેકટરને અંધારામાં રાખી કરી છે. ચૂંટણી અધિકારીએ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન દરિયાપુર વિસ્તારમાંથી ૧૦૪ર અરજીઓ મળી હતી. તે પૈકી પ૯૯ અરજી ચકાસણી બાદ મંજૂર કરી છે. એટલે કે પ૯૯ નામો કમી કરાયા છે. તેમ જણાવ્યું છે. હકીકતમાં આ મુદ્દો છે જ નહીં ધારાસભ્યનું કહેવું છે કે મારી ફરિયાદ તા.રપ-૯-ર૦૧૭ના રોજ કલેકટર કચેરીમાંથી મતદારયાદી તથા સિડી આપવામાં આવી તેમાં તા.૧-૧-ર૦૧૭ના રોજ પ્રસિધ્ધ થયેલી યાદીમાંથી ર૭૬પ નામો ઉડાડી મુકવામાં આવ્યા છે એ જ અમારી ફરિયાદ હતી આ હકીકતની જાણ હોવા છતાં રાજયની પ્રજાને ગેરમાર્ગે દોરવા આ ખુલાસો કરવામાં આવ્યો છે તે ગંભીર અપરાધ છે.
તેમણે જણાવ્યું છે કે મારા દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૧ર૯માં ૧ર૪ર મતદારો છે જેમાં ૧થી ૪૧ પેજ છે તેની જગ્યાએ ૧થી ૧૪ પેજ જ મુકયા છે અને ૧પથી ૪૧ સુધીના પેજ મુકવામાં આવ્યા નથી. એ જ રીતે મતદાન મથક ૧૩૬માં ૧૧૯ર મતદારો છે. જેમાં ૧થી ૩૬ પેજ છે તેની જગ્યાએ માત્ર ૧થી ૪ પેજ મુકવામાં આવ્યા છે. જ્યારે મતદાન મથક નં.૧૬૬માં ૧ર૪૧ મતદારો છે જેમાં ૧થી ૩૬ પેજને બદલે ૧થી ૪ પેજ જ મુકવામાં આવ્યા છે.
આમ કુલ ર૭૬૦ નામો યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. આ અંગે અખબારોમાં આ અહેવાલ પ્રસિધ્ધ થતા મુખ્ય ચૂંટણી અધિકારીએ આજરોજ ખુલાસો કર્યો કે આ તો ફકત પ્રિન્ટીંગ મિસ્ટેક છે તે જ સાબિત કરે છે કે અમારી ફરિયાદ સાચી છે એમ ધારાસભ્યએ જણાવી ઉમેર્યું છે કે કલેકટર અવંતિકા સિંઘ પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારી છે. પરંતુ મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમનાથી સાચી હકીકત છુપાવી ગેરમાર્ગે દોર્યા છે જે અમને તા.રપ-૯-ર૦૧૭ના રોજ કલેકટર કચેરીમાંથી જે મતદારયાદી તથા સિડી મળી તેની ચકાસણી કરી ન હોત તો ર૭૬પ મતદારો મતાધિકારથી વંચિત રહી જાત. આમ હવે ભાજપ સરકારના ઈશારે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકાર દ્વારા સ્થાયેલુ ષડયંત્ર તા.૧-૭-ર૦૧૭થી યાદીમાં સમાવિષ્ટ ર૭૬પ મતદારોને રપ-૯-ર૦૧૭ની યાદીમાં બાકાત રાખવાનું કૃત્ય ખુલ્લુ પડી જતા ફોજદારી અને કાયદાકીય કાર્યવાહીથી બચવા મજબૂરીવશ આજરોજ ઈલેકશન કમિશનની વેબસાઈટ ઉપર ર૭૬પ મતદારોના નામો મુકવામાં આવ્યા છે. જે તેમની પોલ ખુલ્લી કરે છે.