સુરતમાં માથાભારે જગ્ગા માલિયાના સાગરિત માલિયા પર ચાર રાઉન્ડ ફાયરિંગ

(સંવાદદાતા દ્વારા), સુરત તા.૫
શહેરના પાંડેસરા વિસ્તારના ભીડભંજન આવાસ પાસે માથાભારે જગ્ગા માલિયાના સાગરિત વસંત માલિયા પર ત્રણ ઇસમોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છુટયા હતા. ફાયરિંગની આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફાયરિંગ કરનાર ઇસમોનું પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.વસંત માલિયા પર ફાયરિંગ કરનાર તેની હરીફ ગેંગના પ્રવીણ પાઉત હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. તો બીજી તરફ વસંતે માથાભારે પ્રવિણ રાઉતે જ ફાયરિંગ કરી હોવાનું જણાવતા પોલીસે હાલ તો પ્રવિણ રાઉત સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવમાં ફાયરિંગપાછળનું કારણ હજુ સુધી પોલીસ જાણી શકી નથી.
બમરોલી રોડ ગોવાલક રોડ પર આશાપુરી સોસાયટીમાં ભીંડભંજન આવાસમાં રહેતા માથાભારે વસંત નંદુ દલાઇ મંગળવારે સાંજે આવાસમાં ઘરની બહાર બેઠો હતો. આ દરમિયાન પાછળથી ચાલતા આવેલા ત્રણ ઇસમોએ તેના પર આડેધડ ફાયરિંગ કર્યું હતું. જે પૈકી બે ગોળી વસંતને વાગી જતા તે લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. ફાયરિંગ બાદ માથાભારે ઇસમો ત્યાંથી બાઇક પર નાંસી છૂટ્યાં હતા. વસંત દલાઇને પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે તાત્કાલિક સારવાર માટે ભટારની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ભરચક વિસ્તારમાં થયેલા ફાયરિંગ ને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયરિંગની ઘટનાને પગલે પાંડેસરા પીઆઇ ઝાલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ત્યાં આવી ગયો હતો. મોડી રાત્રે વસંત દલાઇનું નિવેદન લેવા માટે ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલમાં પણ ગયા હતા. વધુમાં વસંત દલાઇ માથાભારે જગ્ગા માલિયાનો સાગરિત છે અને તે અગાઉ હત્યા, દારૂ અને મારામારી સહિતના ગુનાઓમાં પણ પકડાયો હતો. મોડીરાત્રે વસંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વંસતે તેના પર ફાયરિંગ પાછળ માથાભારે પ્રવિણ રાઉતનો હાથ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની ફરિયાદના આધારે પ્રવીણ રાઉત સહિત ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. બીજી તરફ એવી આશંકા સેવાઇ રહી છે કે, અગાઉ વસંતે દારૂના ધંધાની હરિફાઇમાં સ્થાનિક બુટલેગરની હત્યા કરી હતી. જેથી વસંત પર દારૂના ધંધાની હરિફાઇમાં ગેંગવોરને કારણે ફાયરિંગ થયું હોવાની વાત પણ ચર્ચાઇ રહ્યી છે. ઉલ્લેખનીય છે કે, વસંત જગ્ગાનો ખાસ માણસ હતો અને તેનો સાગરીત હતો. જગ્ગા માલિયાની હત્યા બાદ તેની ગેંગનું નેટવર્ક મોન્ટુ ચલાવી રહ્યો છે. ટૂંકમાં પાંડેસરા પોલીસ તેમજ ક્રાઇમબ્રાંચ આ મામલે તમામ દિશામાં તપાસ કરી રહી છે. જોકે હજુ સુધી ફાયરિંગનું ચોક્કસ કારણ પોલીસ જાણી શકી નથી. પરંતુ માથાભારે વસંત પર થયેલા ફાયરિંગ બાદ આગામી દિવસોમાં ગેંગવોર વધુ લોેહિયાળ બનશે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહ્યી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts