(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
ઉધનાના કૈલાશનગર ખાતે માથાભારે ટોળકીએ જૂની અદાવત રાખી બે યુવકો પર ખુની હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. જો કે બે પૈકીના એક યુવકનુું સારવાર દરમિયાન મોત થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડીંડોલી મહાદેવનગર ખાતે રહેતો ૨૪ વર્ષિય સચિન રવીન્દ્રભાઈ પાટિલ સોમવારે રાત્રે તેના મિત્ર નિલેશ સુધાકર બાગુલ સાથે ઉધના કૈલાશનગર ૬૦ ફૂટ રોડ પર બજરંગ ડેરીની સામે ઊભા હતા ત્યારે જ કૈલાશનગરના માથાભારે ગોપાલ ઉર્ફે ભૈયો, દિપક ઉર્ફે આશિકી મરાઠે, પ્રફુલ્લ પ્રતાપ શીરસાઠ, સંતોષ ઉર્ફે સોનુ ચૌધરી, દીપક કોમલસિંહ રાજપૂત, અવિનાશ ઉબાલે અને પ્રવીણ જ્ઞાનદેવ નાગર સહિતની ટોળકીએ ૧૦ દિવસ પહેલાં થયેલ ઝઘડાની અદાવત રાખી લાકડાના ફટકા, સ્ટમ્પ તથા તિક્ષ્ણ હથિયાર, છરા સાથે સજ્જ થઈ નિલેશ અને સચિન પાટિલ પર ખૂની હુમલો કર્યો હતો. માથાભારે ટોળકીએ નિલેશને લાકડાના ફટકા અને સ્ટમ્પ વડે માથાના ભાગે તથા શરીરે છડા વડે ગંભીર અને જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ઉધના પોલીસને જાણ કરાતા પો.ઈ. સી.એલ. જાદવ તથા સ્ટાફના માણસો દોડતા થઇ ગયા હતા. પોલીસે બંને ઈજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી. જ્યાં નિલેશ બાગુલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી પીઆઈ જાદવે હત્યાની નોધ લઇ માથાભારે ટોળકીના સાગરિતોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.